અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં ખુલ્લેઆમ દેહવ્યાપાર, વીડિયો વાઇરલ થતા પોલીસ તપાસ શરૂ
અમદાવાદ: ગીતા મંદિર વિસ્તારમાં ઘણી હોટલો અને ગેસ્ટ હાઉસ આવેલા છે. જ્યાં બહારથી આવતા લોકો ઉતારા લેતા હોય છે. પરંતુ આ વિસ્તારમાં અનેક ગેસ્ટ હાઉસ અને હોટલોની આડમાં ખાસ રૂમમાં બહારથી યુવતીઓને બોલાવીને દેહ વ્યાપારનો કાળો કારોબાર ચલાવવામાં આવે છે. થોડા દિવસ પહેલા હોટસ શ્રી બાલાજી ગેસ્ટ હાઉસનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં દલાલ ખાતરી આપેે છે અહીયા સારામાં સારી સર્વિસ મળશે. કોઇ ચિંતા કરવા જેવી નથી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. આ સાથે કાગડાપીઠ પોલીસની કામગીરીને લઇને પણ અનેક સવાલ ઉભા થયા છે.
ગીતા મંદિર બસ ડેપો નજીકમાં આવેલા એક ગેસ્ટ હાઉસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં ગ્રાહક, દલાલ અને સેક્સ વર્કર સાથે વાતચીત થતી હોય છે. આ વીડિયોમાં દલાલ ખાતરી આપે છે કે અમારી હોટલમાં તમને ઘણી મજા આવશે. ત્યારે યુવતી પણ કહે છે કે આવો મજા આવશે. આ સાથે દલાલ ગ્રાહકોને નિશ્ચિંત થઈને મજા કરવાની પણ ખાતરી આપે છે.
આ વીડિયો ગીતા મંદિરમાં આવેલા હોટલ શ્રી બાલાજી ગેસ્ટ હાઉસનો હોવાનો જાણવા મળ્યુ હતું. આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના વહીવટદારે ભીનું સંકેલવા પ્રયાસ કર્યો હતો. સાથેસાથે ગેસ્ટ હાઉસના સંચાલકે સોશિયલ મીડિયામાં વીડિયો મુકનારને નાણાંની માંગણી કર્યાનો આરોપ મુકવાનો આક્ષેપ કરીને ધમકી પણ આપી હતી.
બીજી તરફ આ વીડિયો અંગે ક્રાઇમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ તેમજ પોલીસ કમિશનર ઓફિસ સુધી જાણ થતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ આ હોટલમાં બે થી ત્રણ રૂમમાં બહારથી આવતી યુવતીઓને રાખવામાં આવતી હતી. જેમાં રૂમમાં આખો દિવસના પેમેન્ટની ચોક્કસ રકમ નક્કી કરીને તેને કામ આપવામાં આવતું હતું. જ્યારે નક્કી થયેલી રકમનો મોટો ભાગ દલાલ પોતાની પાસે રાખતો હતો. ત્યારે આ મામલે પોલીસે ગીતા મંદિર અને આસપાસમાં આવતી હોટલોમાં ચાલતા કાળા ધંધા અંગે તપાસની સુચના આપી છે.