મહુન્દ્રા ગામમાં બોરકુવા ઉપર જુગાર રમતા સાતને પોલીસે ઝડપી લીધા
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં હાલ શ્રાવણીયો જુગાર જામી ગયો છે ત્યારે મહુન્દ્રા ગામમાં બોરકુવા પાસે જુગાર રમાતો હોવાની બાતમીના પગલે પોલીસે દરોડો પાડીને સાત જુગારીઓને ઝડપી લીધા હતા જેમની પાસેથી ૧૫ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ગાંધીનગર જિલ્લામાં હાલ શ્રાવણીયો જુગાર જામી ગયો છે.
ત્યારે જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં જુગાર
ધમધમી ઊઠે છે ત્યારે પોલીસ પણ આવા જુગારીઓને પકડવા માટે દોડી રહી છે. ચિલોડા
પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, મહુન્દ્રા ગામની
સીમમાં ધવલભાઇ ભરતભાઈ રાવલના બોરકુવા ઉપર ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો તીન પત્તીનો
જુગાર રમી રહ્યા છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ દ્વારા અહીં દરોડો પાડવામાં આવ્યો
હતો. જેના પગલે જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે પોલીસે અહીંથી જુગાર રમતા
મહુન્દ્રા ગામના જયદેવસિંહ હરીસિંહ સોલંકી,
ધર્મેદ્રસિંહ દિલીપસિંહ સોલંકી,
અજિતસિંહ કુબેરજી સોલંકી,
ચિરાગસિંહ હિંમતસિંહ ઠાકોર,
ભિખાભાઈ ભાયલાલભાઈ પટેલ,
દશરથભાઈ અંબાલાલ ઠાકોર,
ઈશ્વરજી જુહાજી ઠાકોરને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રોકડ ૧૫,૭૭૦ની રોકડ કબજે
કરવામાં આવી હતી. નોંધવું રહેશે કે ડિજિટલ જમાનામાં એક પણ જુગારી પાસેથી મોબાઇલ
ફોન પકડાયો નથી. હાલ આ અંગે ચિલોડા પોલીસ દ્વારા જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરીને
તપાસ શરૃ કરવામાં આવી છે.