107 ગંભીર ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સને SPની આગેવાનીમાં પોલીસે જીવનાં જોખમે ઝડપી લીધો
ગુજસીટોકનો ગુનેગાર પોલીસને પડકાર ફેંકતો હતો બગડુ-ખડીયા વચ્ચે વહેલી સવારે , પોલીસ અધિકારીઓ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ ઘટના બની
જૂનાગઢ, : જૂનાગઢના કુખ્યાત ગુનેગાર કારા દેવરાજ રાડાને એસપી સહિતના પોલીસ અધિકારીઓએ જીવનાં જોખમે ફિલ્મીઢબે ઝડપી પાડયો છે. ખૂન, ખૂનની કોશિષ સહિતના 107 ગંભીર ગુનામાં સંડોવાયેલા કારા દેવરાજને ગુજસીટોક ગુનામાં પકડવો એ એક પડકાર બની ગયો હતો. કુખ્યાત આરોપી ગંભીર ગુનામાં ફરાર હોવા છતાં પોતાનાં ઘરે આવી વીડિયો બનાવી સોશ્યલ મીડિયા પર અપલોડ કરી પોલીસને પડકાર ફેંકતો હતો. એસપી, એલસીબી સહિતનાઓએ વહેલી સવારે ખડીયા નજીકથી તેને દબોચી લીધો છે. આરોપીએ પોલીસ પર કાર ચડાવી મારી નાખવાનો પ્રયત્ન પણ કર્યો હતો પરંતુ આખરે પોલીસે તેના સાગરિત સાથે કુખ્યાત કારાને ઝડપી પાડયો છે.
જૂનાગઢની પોલીસને અનેક પડકાર ફેંકનાર કુખ્યાત આરોપીને પકડવા માટે ખુદ જિલ્લા પોલીસ વડાએ રાત આખી દોડધામ કરવી પડી અને પોતે ફિલ્ડમાં જવું પડયું હતું. જૂનાગઢના લીરબાઈપરામાં રહેતા કારા દેવરાજ રાડા સામે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો હતો. તે ગુનામાં હાઈકોર્ટે તેને શરતી જામીન આપ્યા હતા. જામીનની શરતોનો ભંગ કરવા બદલ પોલીસે ખાસ ગુજસીટોક કોર્ટમાં રિપોર્ટ કર્યો હતો. પોલીસ રિપોર્ટના આધારે કોર્ટે તેના જામીન રદ કરી તા. 27-3-2025 ના પકડ વોરંટ ઈશ્યુ કર્યું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ તેમાં સફળતા મળતી ન હતી. કુખ્યાત આરોપી અવાર-નવાર તેેના ઘરે તથા તેની આસપાસના વિસ્તારોમાં આવી વિડીયો બનાવી સોશ્યલ મિડીયા પર અપલોડ કરી પોલીસને પડકાર ફેંકતો હતો. પોલીસ પણ આ ગુનેગારને પકડવા મથામણ કરતી હતી તેવામાં ગત રાત્રીના પોલીસને બાતમી મળી કે, કારો અને તેનો સાગરિત રાજુ રાડા બાદલપુર, જામકા, ખડીયા થઈ જૂનાગઢ આવવાના હતા. આથી, એલસીબી સહિતની પોલીસ અલગ-અલગ સ્થળે ખાનગી વાહનમાં વોચમાં હતી. એવામાં, બાદલપુર તરફથી આવી જામકા ચોકડી થઈ ખડીયા તરફ બ્લ્યુ કલરની GJ-18 BP- 0071 નંબરની કારમાં કારો અને તેનો સાગરિત રાજુ નીકળ્યા હતા. જેથી પોલીસને તેનો પતો લાગી ગયો હતો.