દેવાયત ખવડ સહિતના આરોપીઓ બાબતે પોલીસે મોઢા સિવી લીધા
'ઉપર'થી મનાઈ છે તેમ કહી માહિતી આપવાનું ટાળ્યું : તાલાલા પોલીસમાં દેવાયત ખવડ પોલીસમેનને ભેટવા જતાં વિવાદ : પોલીસ બચાવની મુદ્રામાં
તાલાલા, : તાલાલાના ચિત્રોડ ગામની સીમમાં અમદાવાદ નજીકના સનાથલ ગામના ધુ્રવરાજસિંહ ચૌહાણ ઉપર ખુની હુમલો કરી લુંટ ચલાવવાના ગુનામાં લોકડાયરાના કલાકાર દેવાયત ખવડ સહિતના સાત આરોપીઓ વેરાવળ સેશન્સ કોર્ટના આદેશના પગલે ગઈકાલે રાત્રે તાલાલા પોલીસ સમક્ષ હાજર થયા હતા.
છ આરોપીઓ હિતેષ વિઠ્ઠલભાઈ ડવ (ઉ.વ. 27, રહે. ભીંડોરા, તા.માણાવદર), મહેન્દ્ર કેસુરભાઈ ઝાઝરડા (ઉ.વ. 30, રહે. જાદરા, તા. મહુવા), જનક કાળુભાઈ ખુમાણ (ઉ.વ. 24, રહે. મોટા ભમોદરા, તા. સાવરકુંડલા), દેવેન્દ્ર જીલુભાઈ ખુમાણ ઉર્ફે ઘુઘો (ઉ.વ. 29, રહે. મોટા ભમોદરા, તા. સાવરકુંડલા), રાજુ મનુભાઈ ખુમાણ (ઉ.વ. 32, રહે. મેવાસા, તા. સાવરકુંડલા) અને અશોક ગોબરભાઈ ધોળકીયા (ઉ.વ. 36, રહે. જંગવડ, તાલુકો જસદણ) તાલાલા પોલીસમાં ગઈકાલે રાત્રે હાજર થયા બાદ દેવાયત ખવડ પણ મોડી રાત્રે હાજર થયા હતા.
ત્યાર પછી નિયમ મુજબ પોલીસે સાતેય આરોપીઓનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. આ તમામ આરોપીઓ આગામી તા. 17મી સુધી પોલીસ પાસે રિમાન્ડ પર રહેશે. દેવાયત ખવડ ગઈકાલે રાત્રે હાજર થયા બાદ તાલાલા પોલીસ મથકમાં ફરજ બજાવતાં એક પોલીસમેનને ભેટવા જતાં વિવાદ સર્જાયો છે.
જેનો વીડિયો પણ આજે સોશિયલ મીડીયામાં વાયરલ થયો હતો. જો કે પોલીસમેનને વીડિયો ઉતરી રહ્યાની જાણ થતાં ભેટવાનું ટાળ્યું હતું. વીડિયોમાં દેખાય છે તે મુજબ સાથે રહેલા બીજા પોલીસમેન દેવાયત ખવડ આવતાં જ ખુરશી પરથી ઉભા થઈ ગયા હતા. આ વીડિયો વાયરલ થતાં પોલીસ બચાવની મુદ્રામાં આવી ગઈ હતી અને પોતાની રીતે બચાવ કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ હાઈપ્રોફાઈલ કેસમાં પોલીસે કોઈપણ માહિતી જાહેર કરવાનું ટાળ્યું છે. આ માટે 'ઉપર'થી સુચના હોવાનું પોલીસ કહી રહી છે. આ પહેલી વાર નથી અગાઉ પણ જયારે જયારે વગદાર આરોપીઓ પકડાય છે ત્યારે પોલીસના મોઢા સિવાય જાય છે તેવું જોવામાં આવ્યું છે. આ કેસમાં પણ તેનું પુનરાવર્તન થયું છે. આ કેસમાં ખરેખર કેટલા આરોપીઓની સંડોવણી હતી, આરોપીઓએ લુંટનો મુદ્દામાલ અને હથિયારો કયાં સંતાડયા હતા તે સહિતની કોઈ માહિતી પોલીસે જાહેર કરી નથી