Gujarat

માથા વગરની લાશની તપાસ કરતી પોલીસને બે મહિના પહેલાં ગુમ થયેલો યુવક મુંબઇથી હેમખેમ મળ્યોઃપરિવાર ખુશ

By GS TEAM
22 Aug 20251 min read
માથા વગરની લાશની તપાસ કરતી પોલીસને બે મહિના પહેલાં ગુમ થયેલો યુવક મુંબઇથી હેમખેમ મળ્યોઃપરિવાર ખુશ

વડોદરાઃ વિશ્વામિત્રી નદીમાં તાજેતરમાં હત્યા કરાયેલી લાશ મળી આવવાના બનાવમાં મરનાર કોણ છે તેની ઓળખ માટે કવાયત કરતી પોલીસે બે મહિનાથી ગુમ થયેલા એક યુવકને મુંબઇથી હેમખેમ શોધી કાઢતાં પરિવારજનો ખુશખુશાલ થઇ ગયા હતા.

હરણી-સમા લિન્ક રોડ પર ચેતક બ્રિજ નીચે નદીમાંથી ૨૦ દિવસ પહેલાં માથાં વગરનો એક અજાણ્યા પુરૃષનો મૃતદેહ મળી આવ્યો હતો.જે અંગે સમા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.મૃતકની ઓળખ થાય તો જ ભેદ ઉકેલાય તેમ હોવાથી સમાના પીઆઇ બી બી કોડિયાતરે છ જિલ્લાઓમાં છેલ્લા છ મહિનામાં ગુમ થયા હોય તેવા લોકોની વિગતો મંગાવી છે.

જે દરમિયાન ન્યુ સમા રોડ વિસ્તારમાં ગઇ તા.૨૫મી જૂને ગુમ થયેલા વિપુલ નામના યુવકની તપાસ માટે પોલીસની ટીમોએ સીસીટીવી ફૂટેજ તેમજ મોબાઇલ સર્વેલન્સ સહિતની વિગતો એકત્રિત કરી હતી.આ યુવકનું છેલ્લું લોકેશન મુંબઇના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં આવ્યા બાદ બંધ થયું હોવાથી પોલીસ મુંબઇ પહોંચી હતી અને અનેક સ્થળે તપાસ કર્યા બાદ યુવકને શોધી કાઢ્યો હતો. 

આ યુવક આર્થિક ભીંસને કારણે ઘર છોડી ગયો હોવાની વિગતો જાણવા મળી હતી.તેણે તમામ સંપર્કો પણ કાપી નાંખ્યા હતા.જેથી પરિવારજનો હતાશ હતા.ગુમ થયેલા યુવકને હેમખેમ જોતાં જ પરિવારજનોની આંખોમાં હર્ષના આંસુ છલકાયા હતા.