વડોદરામાં કોલ ગર્લ્સ સપ્લાય કરવાનું નેટવર્ક ધરાવતા સુરતના સુત્રધારને શોધવા પોલીસના સુરતમાં ધામા
વડોદરા, તા. 10 એપ્રિલ 2019 બુધવાર
શહેરના કારેલીબાગ વિસ્તારમાં પકડાયેલા કૂટણખાનામાં યુવતીઓ સપ્લાય કરનાર સુરતના મુખ્ય સૂત્રધારને પકડવા પોલીસની ટીમે સુરતમાં પડાવ નાખ્યો છે.
કારેલીબાગના એમ આઈ જી ફ્લેટમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થતાં કારેલીબાગ પોલીસે બાંગ્લાદેશી યુવતી સહિત 7 યુવતીઓને છોડાવી છે અને સાત દલાલોની ધરપકડ કરી છે. પોલીસની તપાસ દરમિયાન કૌભાંડનું મૂળ સુરત સુધી પહોંચ્યું છે અને અલ અમીન નામના મુખ્ય સપ્લાયરને પકડવા પોલીસે દોડધામ આદરી છે.
સેક્સ રેકેટનો માસ્ટરમાઇન્ડ અલ અમીન બાંગ્લાદેશના એજન્ટોના સંપર્કમાં હોવાની શક્યતા પણ જોવાઈ રહી છે. પોલીસની ટીમે ગઈકાલે રાતે સુરતમાં બે સ્થળે છાપા માર્યા હતા, પરંતુ અલ અમીનનો કોઈ પત્તો લાગ્યો નથી. અલ અમીન પકડાય ત્યારબાદ કોલ ગર્લના નેટવર્કનો પર્દાફાશ થાય તેવી શક્યતા છે.