Get The App

રાહુલ રાજના બ્લ્યુ આઇસ અને ફોર સિઝન થાઇ સ્પાના સંચાલકને ઝડપવા પોલીસના હવાતીયા

પીસીબીએ બે મહિના અગાઉ દરોડા પાડયા બાદ 15 દિવસમાં ચાલુ થઇ ગયા હતાઃ થાઇલેન્ડની યુવતીઓને કોર્ટમાં રજુ કરતી વખતે દુભાષીયાની મદદ લેવાશે

Updated: Mar 4th, 2020

GS TEAM

Google News
Google News

સુરત તા. 4 માર્ચ 2020 બુધવાર

ડુમ્મસ રોડ સ્થિત રાહુલ રાજ મોલમાં ધમધમતા બ્લ્યુ આઇસ સ્પા અને ફોર સિઝન થાઇ સ્પામાંથી ઝડપી પાડવામાં આવેલી વિદેશી યુવતીઓ પાસે મલ્ટીપલ વિઝા હતા પરંતુ તેમના વિઝામાં એમ્પલોયમેન્ટ પ્રોહીબીટેડ લખેલું હોવા છતા સ્પામાં નોકરીએ રાખનાર સંચાલકોને ઝડપી પાડવા ઉમરા પોલીસે તેમના રહેણાંક ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ ઝડપાયેલી યુવતીઓને કોર્ટમાં હાજર કરવા માટેની તજવીજ પોલીસે હાથ ધરી છે.

ઉમરા પોલીસે બાતમીના આધારે ડુમસ રોડના રાહુલ રાજ મોલ બીજા માળે દુકાન નં. 245 બ્લુય આઇસ થાઇ સ્પામાં દરોડા પાડી મગદલ્લા સ્થિત રાયન ઇન્ટરનેશનલ સ્કુલ નજીક રહેતા મેનેજર અભય અર્જુન સુરલકર (મૂળ રહે. મલકાપુર, બુલઢાણા, મહારાષ્ટ્ર) અને સુભાષ જંગલુ ગુરઝાવરે (મૂળ રહે. તરવડા ગામ, જિ. બુલઢાણા, મહારાષ્ટ્ર) ઉપરાંત પાર્લેપોઇન્ટ વિસ્તારના તોરણ એપાર્ટમેન્ટમાં રહેતી 15 અને મગદલ્લામાં રહેતી 1 મળી થાઇલેન્ડની 16 યુવતીને ઝડપી પાડી હતી. જયારે દુકાન નં. ૨૪૬માં ફોર સિઝન થાઇ સ્પામાં દરોડા પાડી મેનેજર આકાશ ચમન પટેલ (રહે. હાલ મનુસ્મૃતિ સોસાયટી, પરવટ પાટિયા અને મૂળ. રણોજ ગામ, તા. પાટણ, જિ. મહેસાણા) અને મગદલ્લા ગામમાં રહેતી થાઇલેન્ડની 2 યુવતીને ઝડપી પાડી હતી.

પોલીસે બ્લુય આઇસ થાઇ સ્પાના માલિક કલ્પેશ ડોબરીયા (રહે. વેલંજા ગામ) અને ફોર સિઝન થાઇ સ્પાના માલિક અમિષાબેન પટેલ (રહે. પરવટ પાટિયા) ને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઉપરોક્ત બંન્ને સ્પાના માલિક કલ્પેશ અને અમિષાને ઝડપી પાડવા તેમના રહેણાંક ખાતે તપાસ હાથ ધરવા ઉપરાંત મોબાઇલ ફોનની કોલ ડિટેઇલના આધારે તપાસ હાથ ધરી છે. બીજી તરફ થાઇલેન્ડની યુવતીઓ કોર્ટમાં હાજર રહેશે ત્યારે દુભાષીયાની પણ મદદ લેવાશે.

 

વિદેશી યુવતીના એમ્પ્લોયમેન્ટ પ્રોહીબીટેડ મલ્ટીપલ વિઝા પરંતુ..

ઉમરા પોલીસે બ્લુય આઇસ થાઇ સ્પા અને ફોર સિઝન થાઇ સ્પામાંથી ઝડપાયેલી થાઇલેન્ડની 18 યુવતીઓના વિઝા અંગે તપાસ હાથ ધરી હતી. તપાસ અંતર્ગત થાઇલેન્ડની તમામ યુવતીઓ મલ્ટીપલ વિઝા પર ભારત આવી હતી અને વિઝામાં એમ્પ્લોયમેન્ટ પ્રોહીબીટેડ લખેલું હોવા છતા સ્પા માલિકોએ વિદેશી યુવતીઓ પાસે સ્પામાં કામ કરાવતા હતા. જેથી પોલીસે ફોરેન્સ એમેન્ટમેન્ટ એક્ટ ૨૦૦૪ હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે થાઇલેન્ડની તમામ યુવતીઓને કોર્ટમાં હાજર થવાની તજવીજ હાથ ધરવા સાથે વિઝા નિયમનો ભંગ કર્યો હોવાથી ઇમીગ્રેશન વિભાગને જાણ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :