જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં એક યુવાનની હત્યા નીપજાવનાર બન્ને આરોપીઓને પોલીસે ઝડપી લીધા
Jamnagar Crime : જામનગરમાં નવાગામ (ઘેડ) ઇન્દિરા સોસાયટી વિસ્તારમાં રહેતા 43 વર્ષના એક યુવાનની હત્યા નીપજાવાઇ હતી, જે હત્યાના બનાવ અંગે પોલીસે નજીકમાં જ રહેતા બે શખ્સો સામે હત્યા અંગેનો અપરાધ નોંધ્યો હતો, અને બન્ને આરોપીઓની અટકાયત કરી લઈ એક બાઈક તથા બનાવના સમયે પરેલા કપડાં કબજે કર્યા છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ ઇન્દિરા સોસાયટીમાં રહેતા મિલન પરમાર નામના 43 વર્ષના યુવાન પર 3 દિવસ પહેલાં બે શખ્સો દ્વારા તિક્ષણ હથિયારના ઘા ઝીંકી દઈ હત્યા નીપજાવાઈ હતી. જે અંગે પોલીસે મૃતકના ભાણેજની ફરિયાદના આધારે બન્ને આરોપીઓ સામે હત્યા અંગે ગુનો નોંધ્યો હતો, અને બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.
શહેર વિભાગના ડીવાયએસપી જે.એન.ઝાલા, સીટી બી. ડિવિઝનના પી.આઈ. પી.પી.ઝા, તેમજ સ્ટાફના મુકેશ સિંહ રાણા, સલીમભાઈ વગેરેએ નજીકના વિસ્તારમાં જ રહેતા મયુર ગોહિલ અને તેની સાથે રાજકોટના વતની સંજય શિયાળને ઝડપી લિધા હતા. મૃતક યુવાને પોતાની પૂર્વ પત્ની સાથે વાતચીત કરી હોવાથી આરોપીને પસંદ ન હતું, અને તિક્ષણ હથિયાર સાથે પોતાના સાગરીતને લઈને મૃતકને ઘેર ધસી આવી હુમલો કરી દેતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો.
દરમિયાન સિટીબી. ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ મયુર ગોહિલ અને સંજય શિયાળની અટકાયત કરી લીધી છે, અને બંને પાસેથી હત્યા માટે ઉપયોગમાં લીધેલું મોટરસાયકલ તેમજ બંનેએ પહેરેલા કપડા અને મોબાઈલ ફોન વગેરે કબજે કરી લેવાયા છે.