Get The App

લઘુમહંત ને શોધવા જંગલ ક્ષેત્રમાં આજે પોલીસ- વનતંત્રનું મેગા સર્ચ

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
લઘુમહંત ને શોધવા જંગલ ક્ષેત્રમાં આજે પોલીસ- વનતંત્રનું મેગા સર્ચ 1 - image

ગિરનારની જગ્યાઓમાં હાજર લોકોનું વેરિફિકેશન

ગુમ લઘુમહંત હજુ ગિરનાર જંગલમાં હોવાની આશંકાથી જૂની-નવી સીડી, રોપ-વેના સીસીટીવીની તપાસ પણ ચાલુ

જૂનાગઢ: ભારતી આશ્રમના ગુમ લઘુમહંતને શોધવા માટે આજે પોલીસની પાંચ ટીમે ગિરનાર પર આવેલી વિવિધ જગ્યાઓમાં હાજર લોકોના ફોટા પાડી વેરિફિકેશન કર્યું હતું જેમાં કોઈ ભાળ મળી ન હતી. હવે આવતીકાલે સવારથી પોલીસ અને વન વિભાગના ૩૦૦ જેટલા કર્મચારીઓ ગિરનાર જંગલ ક્ષેત્રમાં મેગા સર્ચ ઓપરેશન કરશે. હજુ સુધી પોલીસને ગુમ મહંત અંગે કોઈ કડી ન મળતા હવે ચિંતા વ્યાપી છે.

આ અંગેની વધુ વિગત મુજબ  ભવનાથમાં આવેલા ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી ત્રણ દિવસ પહેલા પાંચ પાનાની સુસાઈડ નોટ લખી તેમાં આશ્રમમાંથી નીકળી ગયા હતા. આજે ગુમ મહંતને શોધવા માટે પોલીસની પાંચ ટીમે ગિરનાર પર આવેલા વેલનાથ, ગૌમુખી ગંગા, પથ્થર ચટી, અંબાજી, જૂની સીડી પર આવેલી જગ્યા ખાતે તપાસ કરી હતી અને ત્યાં હાજર લોકોના ફોટા પાડી સર્વે કરી વેરિફિકેશન કર્યું હતું. આ ઉપરાંત ગુમ મહંતનો ફોટો દુકાનદારો, ડોલીવાળા તેમજ અન્ય યાત્રીકોને બતાવ્યો હતો પરંતુ ત્યાં કોઈ જાણકારી મળી ન હતી. આ ઉપરાંત બંને સીડી રોપવે, ગૌમુખી ગંગા તેમજ ભવનાથ ક્ષેત્રના સીસીટીવી કેમેરાની ચકાસણી પણ કરવામાં આવી હતી પરંતુ કોઈ ભાળ મળી ન હતી. અન્ય વાહનમાં બેસી બહાર નીકળ્યાની બાબતને પણ ક્યાંય સમર્થન મળ્યું ન હતું.

હવે આવતીકાલે પરિક્રમા બંદોબસ્ત પૂર્ણ થાય છે ત્યારે ૨૦૦ જેટલા પોલીસકર્મીઓ અને ૧૦૦ જેટલા વનવિભાગના કર્મચારીઓ દ્વારા જટાશંકર, પ્રેરણાધામ પાછળ સહિતના જંગલ વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન કરવામાં આવશે.

ત્રણ દિવસથી ગુમ લઘુ મહંતનો બે દિવસ પહેલા ટ્રસ્ટના મેનેજરને ફોન આવ્યો હતો ત્યારબાદ પણ કોઈ ભાળ મળી ન હતી. હવે આવતીકાલે મેગા સર્ચ ઓપરેશનમાં શું થાય છે એ જોવું રહ્યું.