૨૧ મહિનાથી ફરાર ખંડણીના આરોપીને પકડવામાં પોલીસ નિષ્ફળ
તારે પૈસા ના આપવા હોય તો મારી કારમાં બેસીને હોટલમાં આવવું પડશે : આરોપીની ધમકી
વડોદરા,મકરપુરા વિસ્તારની મહિલા પાસેથી ખંડણી ઉઘરાવી કેબિન સળગાવી દઇ તેનો નગ્ન વીડિયો ઉતારી વાયરલ કરી દેનાર સાપ્તાહિકના પત્રકારો સામે ફરિયાદ થઇ હતી. આ કેસમાં ૨૧ મહિનાથી વોન્ટેડ આરોપીને પકડવામાં પોલીસ નિષ્ફળ રહી છે.
મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ સાપ્તાહિક ચલાવતા કિશન ભોલારામ રાજપૂત (રહે. આદર્શ નગર, નિઝામપુરા) સહિત ચાર આરોપીઓ સામે નવેમ્બર - ૨૦૨૩ માં ખંડણી, છેડતી અને આઇટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, આરોપીઓ મારા જુગારના ધંધા પર આવી રૃપિયાની માંગણી કરતા હતા. તા.૨૫ ઓક્ટોબરે સાંજે આરોપીઓે મારી કેબિન પર આવ્યા હતા. તેઓએ જબરજસ્તીથી મારી પાસેથી રૃપિયા કાઢી લઇ મારો સામાન સળગાવી દીધો હતો. મારો પુત્ર તેમજ અન્ય તેઓને કહેવા માટે જતાં મારા પુત્ર પર હુમલો કર્યો હતો. મે તેઓથી છૂટકારો મેળવવા મારા કપડાં કાઢી નાંખતા મારો નગ્ન વીડિયો આરોપીએ ઉતાર્યો હતો અને આ વીડિયો વાયરલ કરી દીધો હતો. કિશન મહિલાને એવું કહેતો હતો કે, તારે પૈસા ના આપવા હોય તો મારી સાથે કારમાં બેસી હોટલ પર આવવું પડશે. આ કેસમાં મકરપુરા પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. પરંતુ, કિશન રાજપૂત પકડાયો નહતો. આ ઉપરાંત કિશન સામે વાડી પોલીસ સ્ટેશનમાં પણ ખંડણીની બે ફરિયાદો નોંધાઇ હતી. એક ફરિયાદમાં તો પોલીસે કોર્ટમાંથી ધરપકડ વોરંટ પણ મેળવ્યું છે. આરોપીએ ત્રણેય ફરિયાદ રદ્દ કરવા માટે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. પરંતુ, તેને રાહત મળી નહતી. ત્રણેય પિટિશન વિડ્રો કરવામાં આવી હતી.