વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા એસવાયબીકોમના વિદ્યાર્થીએ પીએસઆઈ અને બીજા બે વ્યક્તિઓ પર ૩૦૦૦ રુપિયા પડાવી લેવાનો સ્ફોટક આક્ષેપ કરીને સયાજીગંજ પોલીસને અરજી આપી છે.
એસવાયમાં ભણતા વિદ્યાર્થીએ અરજીમાં કહ્યું છે કે, ગઈકાલે એટલે કે ગુરુવારે હું કોમર્સ ફેકલ્ટીમાં બાઈક લઈને અભ્યાસ કરવા માટે જઈ રહ્યો હતો ત્યારે સયાજીગંજ વિસ્તારમાં દેસાઈ નામના પીએસઆઈ અને તેમની સાથે ટ્રાફિક પોલીસના યુનિફોર્મમાં અને સાદા કપડામાં ઉભેલા બે વ્યક્તિઓએ મને અટકાવ્યો હતો અને ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હોવાનું કહીને ગાળો આપીને ૩૦૦૦ રુપિયા આપ્યા પછી જ જવા દેવાની ધમકી આપી હતી.મેં ગભરાઈને ઘરેથી ગૂગલ પે પર ૩૦૦૦ રુપિયા મંગાવ્યા હતા.એક દુકાનમાં ઓનલાઈન પેમેન્ટ કરીને તેના બદલામાં રોકડા પૈસા લીધા હતા.પીએસઆઈએ મારી પાસે આ રકમ અન્ય એક બાઈકની બેગમાં મૂકાવડાવી હતી.
વિદ્યાર્થીનું કહેવું છે કે, એ પછી પીએસઆઈએ ફોન પર કોઈની સાથે વાત કર્યા બાદ મારો ૫૦૦ રુપિયાનો મેમો બનાવ્યો હતો અને મને ઈ ચલણ મોકલ્યું હતું.મારો મેમો સયાજીગંજ વિસ્તારમાં બનાવાયો હતો પણ ઈ ચલણમાં ઉંડેરા વિસ્તાર દર્શાવાયો હતો.ઈ ચલણમાં ફોટો પણ કોઈના હાથનો મૂકવામાં આવ્યો હતો.આમ મને ધમકાવીને ખોટી રીતે પૈસા પડાવી લેવાયા છે.જેથી આ પીએસઆઈ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે.


