Gujarat

31 ડિસેમ્બરની સાંજથી જ પોલીસ બંદોબસ્ત શરૃ,700 બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ

By GS TEAM
29 Dec 20251 min read
31 ડિસેમ્બરની સાંજથી જ પોલીસ બંદોબસ્ત શરૃ,700 બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ

વડોદરાઃ ૩૧મી ડિસેમ્બરને અનુલક્ષીને શહેર પોલીસ દ્વારા ગોઠવવામાં આવનાર બંદોબસ્તને પગલે આજે પોલીસ કમિશનરે તમામ ઉચ્ચ અધિકારીઓ અને પોલીસની એજન્સીઓ સાથે મીટિંગ કરી સૂચનાઓ આપી હતી.

૩૧મીએ સાંજથી જ પોલીસનો બંદોબસ્ત શરૃ થઇ જશે.જેમાં પોલીસ કમિશનર અને જોઇન્ટ કમિશનર ઉપરાંત ૧૦ નાયબ પોલીસ કમિશનર,૬ આસિ. કમિશનર અને ૧૦૦ પીઆઇ-પીએસઆઇ સામેલ હશે.આ ઉપરાંત ૨૦૦૦થી વધુ પોલીસ જવાનો પણ તૈનાત રહેશે.

પોલીસ કમિશનરે આજે બંદોબસ્ત તેમજ ચેકિંગ માટે ઉપયોગમાં લેવાનાર વાહનો અને સાધનોનું નીરિક્ષણ કર્યું હતું.પોલીસ સાથે કોઇ વ્યક્તિ ઘર્ષણમાં આવે તો સમગ્ર બાબતનું રેકોર્ડિંગ થાય તે હેતુથી ૭૦૦ થી વધુ પોલીસ જવાનો  બોડીવોર્ન કેમેરાથી સજ્જ રહેશે.

૩૧મી એ રાતે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે.જેને અનુલક્ષીને ટ્રાફિક પોલીસની મદદમાં ૭૦૦ ટ્રાફિક બ્રિગેડના જવાનો મદદમાં રહેશે.વડોદરા સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતેથી ડ્રોન કેમેરા અને શહેરમાં ગોઠવેલા સીસીટીવી કેમેરાઓ મારફતે નજર રાખવા વિશેષ ટીમો તૈયાર રાખવામાં આવી છે.