જામનગર શહેરમાં ગુનાખોરીને અટકાવવા પોલીસ વિભાગની "કોમ્બિંગ" ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ
Jamnagar Police: જામનગર શહેર અને જીલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે, અને ગુનાખોરી અટકે તેના અનુસંધાને "કોમ્બિંગ નાઇટ" દરમ્યાન જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા મંગળવારે યોજેલી ડ્રાઇવમાં નંબર પ્લેટ વગરના વાહનો, કારની બારીઓમાં અપારદર્શક ફિલ્મો લગાડનારા, ફેન્સી નંબર પ્લેટ લગાવેલા, ડ્રીંક એન્ડ ડ્રાઇવ તેમજ વાહનોમાં ધોકા જેવા હથિયારો સાથે નીકળેલા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
આ "કોમ્બિંગ નાઇટ" દરમ્યાન સમગ્ર જીલ્લા તેમજ શહેરના વિવિધ વિસ્તારો તેમજ શહેરના પ્રવેશ દ્વાર જેવા રોડ ઉપર કડક ચેકીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જ્યારે, જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ.ચાવડા સહિત સર્વેલન્સ ટીમ દ્વારા પવનચક્કી સર્કલ ખાતે ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ 5 થી વધુ બાઈક ડીટેઈન કરાયા હતાં અને સંખ્યાબંધ લોકો પાસેથી કુલ રૂા.12,300 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. પોલીસની આ કાર્યવાહીથી નિમયોનો ભંગ કરનારા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
"કોમ્બિંગ નાઇટ" દરમ્યાન પોલીસે દુકાનોએ કે, જાહેર સ્થળોએ વાહનો સાઇડમાં પાર્ક કરીને મોડી રાત સુધી જમાવડો કરીને બેસનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી અમુક લોકો પોલીસને જોઈને ભાગ્યા હતા.