Get The App

મહેમદાવાદમાં પોલીસ જવાને લગ્નની લાલચ આપીને મહિલાનું શારીરિક શોષણ કર્યાની રાવ

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
મહેમદાવાદમાં પોલીસ જવાને લગ્નની લાલચ આપીને મહિલાનું શારીરિક શોષણ કર્યાની રાવ 1 - image

- ખેડા જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત 

- પતિ સાથે અણબનાવ હોવાથી અલગ રહેતી મહિલાને પ્રેમજાળમાં ફસાવી શરીર સંબંધ બાંધીને લગ્નનો ઈન્કાર કરી દીધાનો આક્ષેપ

નડિયાદ : મહેમદાવાદમાં પતિથી અલગ રહેતી એક મહિલા સાથે પોલીસ ખાતામાં જ ફરજ બજાવતા કોન્સ્ટેબલે પ્રેમસંબંધ બાંધી લગ્નની લાલચ આપી ૩ વર્ષ સુધી જુદી-જુદી જગ્યાએ લઈ જઈ મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા બાદ હવે કોન્સ્ટેબલે લગ્ન કરવાનો ઈન્કાર દીધો હોવાનો મહિલા દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જે મામલે સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યો છે.

મહેમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતી એક મહિલાએ ખેડા જિલ્લા પોલીસ વડાને આપેલી લેખિત અરજીમાં ગંભીર આક્ષેપો કર્યા છે. મહિલાના જણાવ્યા મુજબ, તેના લગ્ન ૧૦ વર્ષ પહેલા થયા હતા, પરંતુ સાસરીમાં મનમેળ ન હોવાને કારણે તે છેલ્લા ૩ વર્ષથી તેના પિતાના ઘરે અલગ રહે છે. આ દરમિયાન મહેમદાવાદ પોલીસ લાઈનમાં રહેતા અને પોલીસ ખાતામાં જ નોકરી કરતા પ્રવિણસિંહ ભરતસિંહ ચૌહાણ સાથે તેનો પરિચય થયો હતો. આ શખ્સે મહિલા સાથે મિત્રતા કેળવી હતી અને બાદમાં આ મિત્રતા પ્રેમમાં બદલાઈ હતી. પોલીસ જવાને મહિલાને વિશ્વાસમાં લીધી હતી કે, તે તેની સાથે લગ્ન કરશે અને મહિલાની દીકરીને પણ અપનાવી લેશે. આ પ્રકારની લાલચ આપીને આરોપી મહિલાને કઠલાલની હોટલ તેમજ અન્ય સ્થળોએ લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે તેની મરજી વિરુદ્ધ અનેકવાર શરીર સંબંધ બાંધ્યા હતા. આ સંબંધ સતત ૩થી ૪ વર્ષ સુધી ચાલ્યો હતો. જ્યારે પણ મહિલા લગ્નની વાત કરતી ત્યારે આરોપી બહાના બતાવી વાત ટાળી દેતો હતો, તેવો મહિલા દ્વારા આપવામાં આવેલી અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. 

સમય જતા મહિલાને જાણ થઈ હતી કે, પ્રવિણસિંહ અગાઉથી જ પરણેલો છે અને તેને સંતાનમાં એક દીકરો પણ છે. આ બાબતે મહિલાએ પૂછપરછ કરતા શખ્સે જણાવ્યું હતું કે, તેની પત્ની અસ્થિર મગજની છે, એટલે તે તેને છૂટાછેડા આપીને આ ફરિયાદી મહિલા સાથે જ લગ્ન કરશે. જોકે, લાંબો સમય વીતવા છતાં આરોપીએ લગ્ન ન કરતા અને સંબંધ રાખવાની પણ ના પાડી દેતા મહિલાને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો. અંતે કોઈ રસ્તો ન દેખાતા મહિલાએ નડિયાદ ખાતે ડીએસપી કચેરીમાં અરજી આપીને ન્યાયની માંગણી કરી છે.

ગર્ભવતી બનતા દવા પીવડાવી હોવાનો આક્ષેપ

મહિલાએ પોતાની અરજીમાં કરેલા આક્ષેપ મુજબ, આરોપી સાથેના સંબંધો દરમિયાન તે ગર્ભવતી બની હતી. જોકે, શખ્સે મહિલાને બાળક રાખવાની ના પાડી દીધી હતી. તેણે મહિલાને ધાકધમકી આપીને ગર્ભપાત કરવાની ફરજ પાડી હતી અને બળજબરીથી દવાઓ ખવડાવીને ગર્ભપાત કરાવી નાખ્યો હતો. 

ગાડીમાં અપહરણ કરી 3 દિવસ ગોંધી રાખી

અરજીમાં જણાવ્યા મુજબ, ગત તારીખ ૧૩-૦૧-૨૦૨૬ ના રોજ આરોપી મહિલાના ઘરે ઘસી આવ્યો હતો અને ગાળાગાળી કરી હતી. તેણે મહિલાને વાળ પકડીને માર માર્યો હતો અને ઢસડીને પોતાની ગાડીમાં બેસાડી દીધી હતી. આ પછી તે મહિલાને અજાણી જગ્યાએ લઈ ગયો હતો અને ત્યાં ૩ દિવસ સુધી ગોંધી રાખી હતી. આરોપીએ એવી ધમકી આપી છે કે તે પોલીસમાં નોકરી કરે છે એટલે મહિલા ફરિયાદ કરશે તો તેના પર જ ખોટા કેસો કરીને જેલમાં પુરાવી દેશે.