Gujarat

સાયલા-સુદામડામાં પીજીવીસીલ સાથે પોલીસનું મેગા ઓપરેશન

By GS TEAM
15 Nov 20251 min read
સાયલા-સુદામડામાં પીજીવીસીલ સાથે પોલીસનું મેગા ઓપરેશન

- રૂ. 60 લાખનો વીજદંડ, 13 વાહન ડિટેઇન કરાયા

- મોસ્ટ ક્રિમિનલ રેકોર્ડ, હિસ્ટ્રી શીટર, માથાભારે તત્વોના ઘરે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

સાયલા : સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે સાયલા અને સુદામડા ગામમાં પીજીવીસીએલની ટીમ સાથે રાખીને ડે-કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી હિસ્ટ્રી શીટરને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહીમાં આશરે ૬૫ લાખ રૂપિયાનો વીજચોરી દંડ વસૂલવામાં આવ્યો હતો, જ્યારે ૧૩ વાહન ડિટેઇન કરાયા અને ૯,૩૦૦ રૂપિયાનો રોકડ દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.

પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારી, સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી અને એસઓજી તેમજ લીંબડી ડિવિઝનના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત કુલ ૭૦ પોલીસકર્મી, એસઆરપીના ૨૦ જવાન સહિતની ટીમે પીજીવસીએલના ૬૦ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મળીને સંયુક્ત કાર્યવાહી કરી હતી.

આ ઓપરેશન દરમિયાન, મોસ્ટ ક્રિમિનલ રેકોર્ડ, હિસ્ટ્રી શીટર, માથાભારે તત્વો અને જાણીતા જુગારીઓના રહેણાંક મકાનોની મળી કુલ ૬૫૦ વીજ કનેક્શન ચેકિંગ કર્યા હતા જેમાં ૯૦ રહેણાંક, ૪-વાણિજ્યમાં ગેરરીતી મળી આવતા આશરે ૬૦ લાખ રૂપિયાનો વીજ કનેક્શન દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, સાયલા પોલીસ સ્ટેશનના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં આશરે ૧૩ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા અને વાહનચાલકો પાસેથી મોટર વાહન અધિનિયમ હેઠળ કુલ ૯,૩૦૦ રૂપિયાનો રોકડ દંડ વસૂલવામાં આવ્યો હતો.