Get The App

જામનગરમાં વૃંદાવન પાર્ક વિસ્તારમાં રહેતી બેકરી સંચાલક મહિલા વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ: બે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી

Updated: May 25th, 2025

GS TEAM


Google News
Google News
જામનગરમાં વૃંદાવન પાર્ક વિસ્તારમાં રહેતી બેકરી સંચાલક મહિલા વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ: બે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી 1 - image


જામનગરમાં રણજીત સાગર રોડ પર વૃંદાવન પાર્ક વિસ્તારમાં રહેતી અને બેકરી ચલાવતી એક વેપારી મહિલા, કે જે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઇ છે, અને દૈનિક વ્યાજની ગણતરીએ 10 ટકા લેખે અંદાજે બે લાખ રૂપિયા જેવું રાક્ષસી વ્યાજ ચૂકવી દીધા છતાં બે વ્યાજખોરો વધુ ચાર લાખની માંગણી કરતા હોવાથી અને ચેક રિટર્ન કરાવી લીધા બાદ ધાકધમકી આપતા હોવાથી બંને વ્યાજખોરો સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.

આ ફરીયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં વૃંદાવન પાર્ક શેરી નંબર ત્રણમાં રહેતી અને રણજીત સાગર રોડ પર એક બેકરીનું સંચાલન કરતી રાધિકાબેન વિજયભાઈ લાખાણી નામની 32 વર્ષની વેપારી મહિલાએ પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસૂલી લીધા બાદ ચેક રિટર્ન કરાવી ધાકધમકી આપવા અંગે તેમજ વધુ ચાર લાખની માંગણી કરવા અંગે દિગ્વિજય પ્લોટ શેરી નંબર 58માં રહેતા હિતેન લોકચંદ સામનાણી તેમજ ભાટની આંબલી પાસે રહેતા અજય વિજયભાઈ સોલંકી સામે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી મહિલાને પોતાના ધંધા માટે પૈસાની જરૂરિયાત હોવાથી પોતાના જ કુટુંબી એવા હિતેન રામનાણી ની મદદથી અજય સોલંકી પાસેથી સૌ પ્રથમ દોઢ લાખ રૂપિયા 10 ટકા લેખે વ્યાજે લીધા હતા, અને તેનું પ્રતિદિન 500 રૂપિયા વ્યાજ જમા કરાવતા હતા.

ત્યારબાદ વધુ પૈસા ની જરૂર પડતાં બીજા પાંચ લાખ લીધા હતા, અને તેનું પ્રતિદિન રૂપિયા 1700 વ્યાજ તરીકે ચૂકવતા હતા. જેના બદલામાં અલગ અલગ ચાર ચેક આપ્યા હતા.

કુલ બે લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધા બાદ વ્યાજખોરો દ્વારા વધુ નાણા કઢાવવા માટે પઠાણી ઉઘરાણી કરતા હોવાથી અને કોરા ચેક મા રૂપિયા 4 લાખની રકમ ભરી અદાલતમાં ચેક રિટર્ન કરાવી વધુ ચાર લાખ પડાવવા માટે ધાકધમકી આપી હોવાથી આખરે મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે અને બંને સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને એ.એસ.આઈ. એચ. આર. બાબરીયાએ ગેરકાયદે નાણાં ધીરધાર અંગેની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :