Gujarat

ખોટું સોગંદનામું કરી 50 ચોમીને બદલે 1746 જમીન બિનખેતીની કરવાના પ્રકરણમાં ક્રિષા અને જિગ્નેશ સામે ગુનાે

By GS TEAM
1 Jul 20251 min read
ખોટું સોગંદનામું કરી 50 ચોમીને બદલે 1746 જમીન બિનખેતીની કરવાના પ્રકરણમાં ક્રિષા અને જિગ્નેશ સામે ગુનાે

વડોદરાઃ વડોદરા નજીક વેમાલીમાં આશરે રૃા.૩ કરોડની કિંમતની માત્ર ૫૦ ચો.મી. જમીન બિનખેતીમાં ફેરવવાને પાત્ર હોવા છતાં માલિકોએ ૧૭૪૬ ચો.મી. જમીન એનએ કરાવવા માટે સોગંદનામામાં ખોટી વિગતો જાહેર કરવાના બનાવ અંગે અકોટા પોલીસે રાતે ગુનો નોંધ્યો છે.

વેમાલીમાં આવેલી ૧૭૪૬ ચો.મી. ખેતીની જમીન બિનખેતીમાં ફેરવવા માટે ગોસાઇ જિગ્નેશ અરવિંદભારથી અને ક્રિષા દિલીપકુમાર રાજાઇ (રહે.પ્રમુખપ્રિત પાર્ક, હરણી-વારસિયા રોંગરોડ) દ્વારા કલેક્ટર કચેરીમાં અરજી કરવામાં આવતા ટીપી કપાત બાદ ૧૨૨૨.૨૦ ચો.મી. જમીન બિનખેતીમાં ફેરવવા માટે મંજૂરી અપાઇ હતી. 

પરંતુ રિયેશ જયંતિભાઇ પટેલ (રહે.યોગીન ફ્લેટ, ચીકુવાડી, અલકાપુરી)એ કલેક્ટરના આ હુકમ સામે વાંધો રજૂ કરી બિનખેતીના ક્ષેત્રફળમાં ક્ષતિ હોવાનું જણાવી ૧૨૨૨.૨૦ ચો.મી.ના બદલે માત્ર ૫૦ ચો.મી. કરવા અને સોગંદનામા સહિતની ખોટી માહિતી રજૂ કરવા બદલ બીએનએસ મુજબ કાર્યવાહી કરવા માંગણી કરી  હતી.

બાદમાં બિનખેતીના અરજદારો દ્વારા હાઇકોર્ટમાં અરજી કરાઇ  હતી અને હાઇકોર્ટ દ્વારા તા.૫મે ૨૦૨૫ના રોજ ડાયરેક્શન આપવામાં આવેલ તે મુજબ જિલ્લા કલેક્ટર સમક્ષ સુનાવણી રાખવામાં આવી હતી અને બાદમાં કલેક્ટરે બિનખેતી અંગે ખોટું સોગંદનામું રજૂ કરવા અંગે અરજદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.જેથી અકોટા પોલીસે ક્રિષા અને જિગ્નેશ સામે ગુનો નોંધ્યો છે.