જામનગરમાં ગુરુદ્વારા વિસ્તારમાં આવેલો ફ્લેટ પચાવી પાડવા અંગે ટ્રાવેલ્સના એક ધંધાર્થી સામે પોલીસ ફરિયાદ
Jamnagar : જામનગરમાં મંગલ બાગ શેરી નંબર 2 માં શ્યામ એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલો 402 નંબરનો ફ્લેટ પચાવી પાડવા અંગે જામનગરમાં અગાઉ ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા મુકેશ તેજાભાઈ માખેલા સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
રાજકોટના વેપારી ખોડુભાઈ ભગવાનજીભાઈ બરબસિયાએ જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં મુકેશભાઈ માખેલા સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે, કે પોતે 2020 ની સાલમાં આરોપીના પિતા તેજાભાઈ માખેલા પાસેથી રૂપિયા 15 લાખમાં ઉપરોક્ત ફ્લેટની ખરીદી કરી હતી, અને તે પ્રમાણેના તેના દસ્તાવેજો તૈયાર કર્યા હતા. જે વેચાણથી મેળવેલા ફ્લેટનો કબજો આરોપીએ છોડ્યો ન હતો, અને ફ્લેટ પચાવી પાડતા મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો.
જેથી જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તેમજ સીટી બી. ડિવિઝનની પોલીસ ટીમે મુકેશ માખેલા સામે ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધિત)વિધેયક કલમ 4(3), 5(ગ) મુજબ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.