Get The App

RDXના ધમકીભર્યા ઈ-મેઈલ બાદ રાજકોટની કોર્ટોમાં પોલીસનું ચેકિંગ

Updated: Jun 25th, 2025

GS TEAM

Google News
Google News
RDXના ધમકીભર્યા ઈ-મેઈલ બાદ રાજકોટની કોર્ટોમાં પોલીસનું ચેકિંગ 1 - image


સાડા ત્રણ કલાક સુધી ચાલેલા ચેકિંગના અંતે કાંઈ શંકાસ્પદ ના મળ્યું

તમામ કોર્ટોની કાર્યવાહી રાબેતા મુજબ ચાલી, અમદાવાદમાં ઝડપાયેલી યુવતીના નામે ઈ-મેઈલ આવ્યો હતો

રાજકોટ: ગુજરાતની કોર્ટોના સંકુલમાં આરડીએક્સ મૂકવામાં આવ્યો છે તેવી ધમકી મળતાં તકેદારીના ભાગરૂપે રાજકોટના ઘંટેશ્વર સ્થિત નવી કોર્ટ બિલ્ડિંગમાં પોલીસે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને સ્નાઇફર ડોગની મદદથી લગભગ સાડા ત્રણ કલાક સુધી ઘનિષ્ઠ ચેકીંગ કર્યું હતું. પરંતુ કાંઇ શંકાસ્પદ મળ્યું ન હતું.

આજે સવારે ઘંટેશ્વર સ્થિત નવી કોર્ટનાં ઓફિશિયલ મેઇલ આઇડી ઉપર ગુજરાતની કોર્ટોમાં આરડીએક્સ મૂકવામાં આવ્યો છે તેવો ઇ-મેઇલ મળ્યો હતો. પોલીસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઇ-મેઇલમાં કોઇ કોર્ટનો ઉલ્લેખ કરાયો ન હતો. આમ છતાં તકેદારીના ભાગરૂપે ઘંટેશ્વર સ્થિત કોર્ટ બિલ્ડિંગમાં ચેકીંગ કરવામા આવ્યું હતું.

સવારે પોલીસ કંટ્રોલ રૂમમાં જાહેરાત થયા બાદ ક્રાઇમ બ્રાંચ, એસઓજી, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ક્યુઆરટી, સ્થાનિક પોલીસ, સ્નાઇફર ડોગને લઇ કોર્ટ બિલ્ડિંગમાં પહોંચી હતી અને ચેકીંગ શરૂ કરી દીધું હતું. શરૂઆતમાં કોર્ટના પ્રિમાઇસીસમાં પોલીસે ચેકીંગ કર્યું હતું. બપોરે ૨ વાગ્યે રિસેષ પડયા બાદ દરેક કોર્ટની અંદર ચેકીંગ શરૂ કર્યું હતું. સવારે ૧૧ વાગ્યાથી લઇ ૨.૩૦ વાગ્યા આસપાસ ચેકીંગની આ કાર્યવાહી ચાલી હતી.

વકીલ સૂત્રોએ જણાવ્યું કે આ ધમકીભર્યા ઈ-મેઈલને કારણે કોર્ટોની કાર્યવાહી પ્રભાવિત થઈ ન હતી. સવારથી લઈ રિસેષ સુધી અને રિસેષ પછી કોર્ટોની કાર્યવાહી રાબેતા મુજબ ચાલુ રહી હતી. 

ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે જે ઈ-મેઈલ આવ્યો હતો તેમાં આરડીએકસ મુકવામાં આવ્યાનું લખાયેલું હતું. આ ઉપરાંત બીજી ગોળ-ગોળ વાતો હતી. અમદાવાદના મોટેરા સ્ટેડિયમ, સ્કૂલો વગેરેને બોમ્બથી ઉડાવી મુકવાની ધમકી આપવાના પ્રકરણમાં પકડાયેલી ચેન્નાઈની રેને જોશીલડાના નામે આ ઈ-મેઈલ આવ્યો હતો. આ સ્થિતિમાં ઈ-મેઈલ ખરેખર કોણે કર્યો છે તે અંગે સાયબર ક્રાઈમ પોલીસ તપાસ ચલાવી રહી છે.

Tags :