વાઘોડિયા બ્રિજથી વોરાગામડી માર્ગ સુધી પોલીસે બુટલેગરની કારનો પીછો કરી ઝડપી પાડી : બુટલેગર ફરાર
Vadodara Liquor Smuggling : આજે વહેલી સવારે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર પોલીસ અને બુટલેગર વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. વાઘોડિયા બ્રિજ પાસે બુટલેગરે કાર ન રોકી દોડાવી નાસી છૂટવાનો પ્રયાસ કરતા પોલીસે છેક વોરા ગામડી સુધી પીછો કરી આખરે કારને ઝડપી પાડી હતી. જોકે ,વરસાદ અને અંધારાનો લાભ ઉઠાવી બુટલેગર નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે કારમાંથી રૂ. 1.73 લાખ ઉપરાંતની કિંમતનો દારૂ- બિયરના જથ્થા સહિત કુલ રૂ. 7.78 લાખ ઉપરાંતની મત્તા કબ્જે કરી ફરાર બુટલેગરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, એલસીબીઝોન ૩ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, "જગદીશ ઉર્ફે જગો કનુભાઈ ઠાકરડા (રહે - ભાલીયાપુરા ગામ ,વડોદરા) કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી આજવા તરફથી આવી વાઘોડિયા બ્રિજ થઈ તરસાલી તરફ જવાનો છે". જેથી પોલીસે વાઘોડિયા બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. અને બાતમી મુજબની કાર પસાર થતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા તે કાર ચાલકે કાર ન રોકી પૂરઝડપે હંકારી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે વાઘોડિયા બ્રિજથી તરસાલી બ્રિજ થઈ મહીસાગર હોટલની સામે વોરા ગામડી તરફના માર્ગ સુધી પીછો કર્યો હતો. આ દરમ્યાન તે કાર ચાલક જગદીશ ઉર્ફે જગાએ કાર ઉભી રાખી નાસવા જતા પોલીસે પીછો કર્યો હતો. જોકે, વરસાદ અને અંધારાનો લાભ ઉઠાવી તે નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે કારની તલાસી લેતા કારની પાછળની સીટ ઉપરથી તથા ડેકી માંથી વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.1,33,248ની કિંમતની દારૂની 1041 બોટલ , રૂ. 40,595ની કિંમતના 353 નંગ બિયરના ટીન, કાર તથા એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 7,78,843ની મત્તા જપ્ત કરી પ્રોહિબિશનનો ગુનો નોધી ફરાર જગદીશ ઠાકરડાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.