વડોદરાઃ શહેરમાં ચોરીઓ કરી આતંક મચાવનાર ગેંગના ચાર સાગરીતોને પોલીસે ઝડપી પાડયા છે.પોલીસની પ્રાથમિક તપાસમાં ગેંગ દ્વારા ૧૮ દિવસમાં ચાર ગુના આચરવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી છે.
શહેરમાં વાહનોની ઉઠાંતરી,ઘરફોડ, અછોડા લૂંટવા જેવા બનાવોની તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદાજુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજ તેમજ મોબાઇલ સર્વેલન્સને આધારે તપાસ કરવામાં આવી રહી છે.
જેને આધારે પાણીગેટ ગૌરવ સોસાયટી પાસેથી પીઆઇ આરજી જાડેજાની ટીમે અજય રમેશભાઇ મારવાડી(એકતા નગર,આજવા રોડ),સચિનસિંગ શિવાસિંગ ટાંક,સનીસિંગ ઉર્ફે ટોન દર્શનસિંગ દુધાણી અને કરણસિંગ ઉર્ફે વિઠ્ઠલ દર્શનસિંગ દુધાણી(તમામ રહે.ખારી તલાવડી,વારસીયા)ને પકડયા હતા.
પોલીસે તેમની પાસેથી ફતેગંજમાંથી ચોરેલી મોટર સાઇકલ સહિત કુલ ૩ બાઇક, ચાંદીના ૧૫ સિક્કા,રોકડા રૃ.૧૦હજાર જેવી મતા કબજે કરી હતી.ટોળકીએ દંતેશ્વરમાં અછોડો,સમા અને પ્રતાપનગર રેલવે કોલોનીમાં મકાનોમાં ચોરી કર્યાની વિગતો બહાર આવી છે.ટોળકીના મુખ્ય સાગરીત મનાતા અજય દર્શનસિંગ દુધાણીને વોન્ટેડ જાહેર કરાયો છે.ઉપરોક્ત સાગરીતો સામે અગાઉ પણ ચોરી સહિતના ગુના નોંધાયેલાછે.
ગેંગ પાસે સસ્તામાં સોનું ખરીદનાર ચોકસીની અટકાયત
વડોદરામાં ચોરીઓ કરતી ગેંગની પૂછપરછ દરમિયાન સોનું ખરીદનાર તરીકે માંડવીના પીએસ જ્વેલર્સના સંજય સોનીનું નામ ખૂલ્યું છે.જેથી ક્રાઇમ બ્રાન્ચે તેની અટકાયત કરી સમા પોલીસને સોંપ્યો છે.સંજય સામે અગાઉ પણ ગુના નોંધાયા હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે.


