વૃદ્ધાની હત્યામાં પોલીસને હત્યારાનું પગેરૂ મળતું નથી
- ઠાસરાના આગરવા ગામે
- બાયડના જાલમપુરાની વૃદ્ધા ઘરેથી નીકળ્યા હતા : ડાકોર પોલીસે ઈનામ જાહેર કર્યું
ઠાસરા તાલુકાના આગરવા ગામ પાસેથી પસાર થતી મહી કેનાલમાંથી ગત તા. ૩૦ જુલાઈ અજાણી વૃદ્ધાનો હત્યા કરાયેલી લાશ મળી હતી. અજાણ્યા શખ્સોએ વૃદ્ધા પર બોથડ પદાર્થથી હુમલો કરીને તેમનું મોત નીપજાવ્યું અને બાદમાં મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો હતો. ડાકોર પોલીસની તપાસમાં મૃતદેહની ઓળખ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જાલમપુરા ગામમાં રહેતા ૬૫ વર્ષીય નંદાબેન રૂમાલસિંહ સોલંકી તરીકે થઈ હતી. પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે, નંદાબેન ૨૮ જુલાઈના રોજ બપોરે ૧.૩૦ વાગ્યે ઘરેથી કોઈને કંઈ કહ્યા વિના નીકળી ગયા હતા, પરંતુ મોડી રાત સુધી પરત ફર્યા ન હતા.
મૃતદેહ મળ્યા બાદ કરમસદ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું, જેમાં વૃદ્ધાના કપાળ અને ગળાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા. બનાવ અંગે મૃતકના દીકરા ઈશ્વર સોલંકીની ફરિયાદના આધારે ડાકોર પોલીસે હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. ૯ દિવસ વીતિ ગયા હોવા છતાં પોલીસ હત્યારાઓ સુધી પહોંચી શકી નથી. ત્યારે ડાકોર પોલીસે જાહેરાત કરી છે કે માહિતી આપનારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. ૨૧ હજારના ઈનામની જાહેરાત જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ સીબી) દ્વારા કરવામાં આવી છે.