દરા, તા.28 વડોદરા શહેરની આસપાસના સેવાસી, સિંઘરોટ સહિતના વિસ્તારો તેમજ જિલ્લામાં અન્ય સ્થળે તા.૩૧ ડિસેમ્બરની શાંતિથી ઉજવણી થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા સપ્તાહ પહેલાંથી જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લામાં નવા વર્ષને સત્કારવા માટે કુલ ૬ સ્થળોએ પાર્ટીના આયોજન માટે મંજૂરી માંગવામાં આવી છે. પોલીસ દ્વારા શહેરને જોડતા જિલ્લાના ચેકપોઇન્ટો પરથી પસાર થતા વાહનોની તપાસની સાથે સાથે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસો પણ મોટી સંખ્યામાં કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે જિલ્લામાં આવેલા ફાર્મ હાઉસ, હોટલ, રિસોર્ટ્સ, કેફેના સંચાલકોને પોલીસે નવા વર્ષને આવકારવા માટે જો કોઇ પાર્ટીનું આયોજન કરતા હોય તો કાયદો વ્યવસ્થાનો ભંગ ના થાય તે માટેના સૂચનો આપવામાં આવ્યા હતાં. જિલ્લામાં નવા વર્ષની ઉજવણી શાંતિથી થાય તે માટે ત્રણ ડીવાયએસપી, ૨૦થી વધુ પીઆઇ, ૪૫ જેટલા પીએસઆઇ અને ૫૦૦થી વધુ પોલીસ કર્મચારીઓને જિલ્લામાં અલગ અલગ સ્થળોએ વાહન ચેકિંગ નાકાબંધી ચેક પોસ્ટ ઊભા કરી રાઉન્ડ ધ ક્લોક બ્રેથ એનેલાઇઝર તેમજ એનડીપીએસ કિટ સાથે રાખી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
જિલ્લા પોલીસની હદમાં મહત્તમ ફાર્મ હાઉસો વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવ્યા હોવાથી ઘોડેસવાર પોલીસ દ્વારા અંતરિયાળ ગામોમાં દૈનિક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લાની શી ટીમ, ૧૧૨ વાહનો તેમજ ટ્રાફિક પોલીસને જિલ્લામાં મુખ્ય નાકાબંધી પોઇન્ટો પર તૈનાત કરવામાં આવેલ છે.
પોલીસે જણાવ્યું હતું કે તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ચાર અને વાઘોડિયા તાલુકામાં બે મળી કુલ છ મંજૂરીઓ માંગવામાં આવી છે. તા.૩૧ની સાંજે સાત વાગ્યાથી સેવાસી ચેકપોસ્ટ સહિતના મહત્વના સ્થળો પર બંદોબસ્ત ગોઠવીદેવાશે. ફાર્મહાઉસોમાં પાર્ટી છે કે નહી તેની આકસ્મિક તપાસ પણ હાથ ધરાશે. છેલ્લા સાત દિવસમાં સમગ્ર જિલ્લામાં ૧૦૦૦ જેટલા ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસો કરવામાં આવ્યા છે.


