કાર પર લાલ-ભુરી લાઇટ, Govt Of India લખાવી રોફ જમાવનાર યુવક ઝડપાયો, એક કાર પર 4 હોદ્દાની પ્લેટ
Panchmahal News : ગુજરાતમાં નકલી કોર્ટ, જજ, પોલીસ સહિત નકલીની ભરમાર યથાવત્ છે, ત્યારે પંચમહાલના હાલોલમાં ખોટી રીતે રાજ્યસેવક જેમ બનીને ફરતો યુવક ઝડપાયો છે. યુવકે સમાજમાં પોતાની છાપ પાડવા માટે પોતાની કાર ઉપર લાલ-ભુરી લાઇટ રાખી ગર્વમેન્ટ ઑફ ઇન્ડિયા લખાવીને ફરતો હતો. યુવકે એક કાર પર 4 અલગ-અલગ હોદ્દાની પ્લેટ લગાવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં ખોટું નામ તથા ખોટો હોદ્દો ધારણ કરીને ફરતા યુવકને હાલોલ રૂરલ પોલીસે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલના મૂળ શહેરા તાલુકાના નાંદરવા ગામનો ધ્રુવ વાળંદ નામન યુવકે પોતાની કાર પર જાણે સરકારી અધિકારી હોય તેવી રીતે ગર્વમેન્ટ ઑફ ઇન્ડિયા લખાવ્યું હતું અને કાર ઉપર લાલ-ભુરી લાઇટ રાખી હતી. આ મામલે હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી. જેને લઈને હાલોલ રૂરલ પોલીસે હાલોલ તાલુકાના કંજરી ગામે હરીદર્શન સોસાયટીમાં તપાસ કરતા નંબર પ્લેટ વગરની કાર મળી આવી હતી.
મહત્ત્વનું છે કે, એક જ કાર પર યુવકે વિવિધ ચાર હોદ્દાની પ્લેટ લગાવી છે. જેમાં પોલીસ જે કલર વાપરે છે તેવી લાલ અને ભુરા કલરની પ્લેટ પર ગૌ રક્ષક લખ્યું છે, બીજી પ્લેટમાં ગવર્મેન્ટ ઑફ ઇન્ડિયા, ત્રીજીમાં ડૉક્ટર ધ્રુવ લખ્યું છે. જ્યારે કારની આગળ લાલ પ્લેટમાં ભારત સરકાર માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ ધ્રુવ બાપુ લખ્યું છે. તો લાલ કલરના અક્ષરથી નેશનલ પ્રેસિડેન્ટ ડૉ. ધ્રુવ લખ્યું છે, તેમાં અંગ્રેજીમાં પ્રેસિડન્ટનો સ્પેલિંગ પણ ખોટો લખ્યો છે.
આ પણ વાંચો: વડોદરા શહેરમાં પોલીસ પરવાનગી વિના રાજકીય કાર્યક્રમો કરનારા સામે પોલીસ ફરિયાદ કરવા રજૂઆત
સમગ્ર મામલે પોલીસે મૂળ શહેર તાલુકાના નાંદરવા ગામના અને હાલ હાલોલ તાલુકાના કંજરી ગામે રહેતા ધ્રુવ વાળંદ નામના યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો. ધ્રુવની પૂછપરછ સમયે તેણે જણાવ્યું હતું કે, 'પોતે કોઈ રાજ્યસેવક નથી પરંતુ સમાજમાં રાજ્યસેવક છું તેવી છાપ પાડવા માટે કાર ઉપર લાલ-ભુરી લાઇટ રાખી ગર્વમેન્ટ ઑફ ઇન્ડિયા લખાવ્યું હતું.' હાલોલ રૂરલ પોલીસે યુવકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.