Gujarat

મહારાષ્ટ્રનાં શ્રમિકને ટેકસીમાં ઉઠાવી જતા ત્રણને પોલીસે દબોચી લીધા

By GS TEAM
4 Nov 20252 mins read
મહારાષ્ટ્રનાં શ્રમિકને ટેકસીમાં ઉઠાવી જતા ત્રણને પોલીસે દબોચી લીધા

બહેનનું અપહરણ કર્યાનો ખાર રાખી યુવતીના ભાઈ સહિત ત્રણે અપહરણ કર્યું

લીંબડી નજીક અપહૃત શ્રમિકને છોડાવી મુકત કરાવાયો,  યુવતીના ભાઈ સહિતના ત્રણ આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ

જામખંભાળિયા: ઓખામંડળના નાગેશ્વર વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા મહારાષ્ટ્રના શ્રમિક યુવાને પ્રેમ લગ્ન કરવા માટે એક યુવતીનું અપહરણ કર્યું હતુુ.તે બાબતનો ખાર રાખી યુવતીના ભાઈ સહિતના ત્રણે આ શ્રમિકને સૌ પહેલા બાઈકમાં અને એ પછી ટેકસી ભાડે કરીને ઉઠાવી જતાં પોલીસે આ શખ્સોનો પીછો કરી શ્રમિક યુવાનને લીંબડી નજીકથી સકંજામાંથી છોડાવી લીધો હતો.

બનાવની વધુ વિગત મુજબ મહારાષ્ટના નંદુરબાર જિલ્લાના મૂળ વતની અને હાલ ઓખામંડળમાં મજૂરી કામ કરતા સુકલાલ ગુલસિંગભાઈ જોજારભાઈ નાયક નામના યુવાને પ્રેમલગ્ન કરવા માટે એક યુવતીનું અપહરણ કર્યું હતું. આ બનાવથી તેના પરિવારજનો ગુસ્સે થયા હતા. બનાવના પાંચ દિવસ પછી યુવતીનો ભાઈ ડુંગરસિંગ જામસિંહ  પાવરા  નંદુરબારથી અહીં આવ્યો હતો. તેણે તેના મિત્ર સંજય કેશુ અલાવા , અને હરસી લખુ પારિયાનો સહકાર લઈ સુકલાલનું બાઈક પર અપહરણ કર્યું હતું એ પછી અમદાવાદ લઈ જવા માટે રૂા.૧૨ હજાર ભાડાથી ટેકસી કરી હતી એમાં સુકલાલને બેસાડી દીધો હતો. એ પછી તેને નાગેશ્વરથી ચરકલા રોડ થઈને ખંભાળિયા જામનગર અને રાજકોટ તેમજ સાયલા બાજુથી અમદાવાદ લઈ જતા હતા. 

આ બનાવ દરમિયાન સુકલાલના પરિવારજનોએ પોલીસને જાણ કરતા ડીવાયએસપી સાગર રાઠોડ અને ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી યુવતીના ભાઈ સહિતના ત્રણેય અપહરણકારોને લીંબડી નજીકથી પકડી પાડી સુકલાલને સકંજામાંથી છોડાવ્યો હતો. આ ત્રણેયની ધરપકડ કરી અદાલતમાં રજુ કરતા ત્રણેયને ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપવા આદેશ થયો હતો. 

આ પ્રકરણમાં વધુ એક આરોપી જીતેન્દ્ર જામસિંગ પાવરાની સંડોવણી ખૂલતાં પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.