Ahmedabad News : અમદાવાદના ઓઢવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં તસ્કરોએ હવે ભંગાર પર હાથ સાફ કરવાનું શરૂ કર્યું છે. ઓઢવ પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી ત્રણ એવા આરોપીઓની ધરપકડ કરી છે, જેમણે ઉત્તરાયણના તહેવાર બાદ મોડી રાત્રે એક ફેક્ટરીનું શટર તોડીને મોટાપાયે ભંગારની ચોરી કરી હતી.
ઓઢવમાં ભંગારની ચોરી કરનારા ત્રણની ધરપરડ
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં સોના-ચાંદાની દાગીના નહીં પણ ભંગારની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસની પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ રાત્રિના અંધકારનો લાભ લઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને નિશાન બનાવતા હતા.
ચોરીમાં વપરાયેલી આઈસર ગાડી પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઓઢવ પોલીસે આરોપીઓ પાસેથી અલગ-અલગ ધાતુનો કુલ 1525 કિલોગ્રામ ભંગાર કબજે કર્યો છે, જેની બજાર કિંમત અંદાજે રૂપિયા 1.17 લાખ જેટલી થાય છે.
આ ઉપરાંત, ચોરીના માલની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ આઈસર ગાડી સહિત પોલીસે કુલ રૂપિયા 13,17,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની અન્ય કોઈ ગુનામાં સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે.


