કાલાવડના કોઠા ભાડુકીયા સિંચાઈ વિભાગના પ્રતિબંધિત મેજર બ્રિઝ પર વાહન ચલાવનાર ઇકો કાર ચાલકની પોલીસ દ્વારા અટકાયત
Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના કોઠા ભાડુકીયા ગામ પાસે સિંચાઈ વિભાગના મેજર બ્રિઝ કે જે હાલ જર્જરિત હાલતમાં હોવાથી તેના ઉપર કોઈપણ પ્રકારના મોટર સાયકલ વગેરે ટુ વ્હીલર સિવાય મોટા વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
માત્ર ટુ-વ્હીલરમાં અથવા તો રાહદારીઓ જ અહીંથી પસાર થઈ શકે કે તે પ્રકારનું જાહેરનામું અમલમાં હોવા છતાં કેટલાક વાહન ચાલકો તેનો ઉલ્લંઘન કરીને ત્યાંથી પસાર થાય છે, તેવી માહિતીના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસ ટુકડી ત્યાં પહોંચી હતી, દરમિયાન જયદેવ ખોડાભાઈ ગોલતર નામનો બાલંભડી ગામનો ઈકો કાર ચાલક પોતાની જી જે 10 ડી.આર. 3840 નંબરની ઇકોકાર લઈને બ્રિજ પરથી પસાર થયો હતો.
આથી કાલાવડ ગ્રામ્યના પોલીસ હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ જાદવ કે જેઓ જાતે ફરિયાદી બન્યા હતા, અને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ ગુનો દાખલ છે, અને ઇકો કાર ચાલક જયદેવ ખોડાભાઈ ગોલતરની અટકાયત કરી લઈ તેની ઇકો કાર પણ કબજે કરી લીધી છે.