આ વખતે હેલ્મેટની ફરજીયાત અમલવારી માટે પોલીસ મક્કમ

રાજકોટનાં ઉચ્ચ અધિકારીઓએ સ્ટેટસમાં ફરજીયાત હેલ્મેટનો પ્રચાર શરૂ કર્યો
આગામી તા.8 સપ્ટેમ્બરથી હેલ્મેટ નહીં પહેરનાર વાહનચાલકો દંડાશે, ઈ-ચલણ પણ ઈસ્યુ કરાશે
આ બધી બાબતોથી વાકેફ ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ વખતે કોઈપણ ભોગે ફરજીયાત હેલ્મેટની અમલવારી કરાવવા મક્કમ થયા છે. જેનો એ પણ પુરાવો છે કે મોટાભાગનાં પોલીસ અધિકારીઓએ ૮ સપ્ટેમ્બરથી વાહન ચાલક અને પાછળ બેસનારે ફરજીયાત હેલ્મેટના નિયમોનો પોતાના મોબાઈલના સ્ટેટસ પર જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે.
શહેરી વિસ્તારમાં ફરજીયાત હેલ્મેટનાં નિયમ સામે વાહન ચાલકોની એવી દલીલો રહી છે કે, શહેરનાં તમામ મુખ્ય માર્ગો પર હંમેશા ટ્રાફિક જામ રહે છે. જેને કારણે વાહન સ્પીડમાં ચલાવી શકાતા ન હોવાથી અકસ્માતની સંભાવના ઓછી રહે છે.
વળી હેલ્મેટને કારણે આસપાસથી પસાર થતા વાહનોનો ખ્યાલ રહેતો નથી. પરિણામે અકસ્માતનો ભય રહે છે. એટલું જ નહીં હેલ્મેટ સાચવવાની પણ સમસ્યા રહે છે. વાહનો પર હેલ્મેટ ટીંગાડવાથી તેની ચોરીનો ભય રહે છે. અકસ્માતો ઓવરસ્પીડ અને ભારે વાહનોને કારણે સર્જાતા હોવાનું અગાઉ અનેક વખત પૂરવાર થયું હોવા છતાં પોલીસે ખરેખર જો અકસ્માતો ઘટાડવા જ હોય તો આ તમામ નિયમોનું કડકાઈથી પાલન કરાવવું જોઈએ.
જો કે દરેક વાહન ચાલક પાસે હેલ્મેટ નહીં પહેરવાનાં બીજા ઘણાં કારણો અને દલીલો પણ છે. તેની વચ્ચે ટ્રાફિક બ્રાંચનાં ડીસીપી પૂજા યાદવે જણાવ્યું કે, તા.૮મી સપ્ટેમ્બરથી શહેરમાં ફરજીયાત હેલ્મેટનો નિર્ણય હાઈકોર્ટ કે રાજય સરકારના આદેશથી નથી લેવાયો. પરંતુ સુરતની જેમ રાજકોટમાં પણ હેલ્મેટ ફરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તા.૮મી સપ્ટેમ્બરથી ફરજીયાત હેલ્મેટની મોટાપાયે ઝુંબેશ શરૂ કરાશે. હેલ્મેટ નહીં પહેરનાર વાહન ચાલકો પાસેથી હાજર દંડ તો વસુલ કરાશે જ સાથો-સાથ ઈ-ચલણ પણ આપવામાં આવશે. હેલ્મેટનાં નિયમનો ભંગ કરનાર વાહન ચાલક પાસેથી રૂા.પ૦૦નો દંડ વસુલવામાં આવશે.









