Gujarat

ભારદારી વાહનો બ્રિજ પરથી પસાર થવા પ્રતિબંધ હોવા છતાં ભરૃચમાં નર્મદા મૈયા બ્રિજ પરથી મોદીના બેનરની ૨૦ લક્ઝરી બસો પસાર કરાવી

By GS TEAM
17 Sep 20252 mins read
ભારદારી વાહનો બ્રિજ પરથી પસાર થવા પ્રતિબંધ હોવા છતાં  ભરૃચમાં નર્મદા મૈયા બ્રિજ પરથી મોદીના બેનરની ૨૦ લક્ઝરી બસો પસાર કરાવી

ભરૃચ  તા.૧૭ ભરૃચમાં નર્મદા મૈયા બ્રિજ પરથી લક્ઝરી બસો સહિત ભારદારી વાહનોને પસાર થવા માટે પ્રતિબંધ છે પરંતુ આજે નરેન્દ્ર મોદીના બેનરોવાળી સુરતના ભાજપ પરિવારની ૨૦થી વધુ લક્ઝરી બસો બ્રિજ પરથી પોલીસની નજર સામે જ પોલીસ દ્વારા પસાર કરાવવામાં આવતા કાયદો માત્ર સામાન્ય લોકો માટે જ તેવા પ્રશ્નો ઊભા થયા છે.  

સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપ પરિવારની ડબલ સીટરની ૨૦ થી વધુ લક્ઝરી બસોમાં યાત્રિકોને સુરતથી લઈને નીકળેલી લક્ઝરી બસો નેશનલ હાઈવે ૪૮ ઉપર થઈને પસાર થવાના બદલે ભરૃચ જિલ્લા અધિક કલેકટરનું જાહેરનામું અમલમાં હોવા છતાં નર્મદા મૈયા બ્રિજ ઉપરના પ્રતિબંધિત બ્રિજ ઉપરથી જ નરેન્દ્ર મોદીના બેનરવાળી બસોને પસાર કરાવવામાં આવતા વાહનોની લાંબી કતારો સાથે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં. નર્મદા મૈયા બ્રિજ ઉપર ખાનગી લક્ઝરી બસોને પ્રતિબંધ હોવા છતાં પોલીસ વિભાગે ખડે પગે રહી સેવા આપી અધિક કલેક્ટરના નર્મદા મૈયા બ્રિજ ઉપરના પ્રતિબંધિતના જાહેરનામાની હાંસી ઉડાવી હતી. 

આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો હતો જે અંગે જિલ્લા અધિક કલેકટરનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે નર્મદા મૈયા બ્રિજ ઉપર ખાનગી લક્ઝરી બસો માટે જાહેરનામું યથાવત છે અને જે ૨૦ લક્ઝરી બસો પસાર કરાવવામાં આવી છે તે બાબતે પોલીસ વિભાગનું મંતવ્ય લઈ શકો છો. પોલીસે નરેન્દ્ર મોદીના બેનરોવાળી લક્ઝરી બસો પસાર કરાવી પરંતુ અન્ય વાહનો જેવા કે ટેમ્પો અને ટ્રકને બ્રિજ પરથી પસાર નહી કરાવી પરત મોકલી જાહેરનામાનું ભાન કરાવ્યું હતું.