વડોદરાની આંતરિક સુરક્ષા માટે પોલીસનો એક્શન પ્લાનઃ10000 સિક્યુરિટી જવાનોની મદદ લીધી
અફવા ફેલાવતા અને દેશદ્રોહને લગતા મેસેજો પર સાયબર સેલ નજર રાખશે
વડોદરાઃ વડોદરામાં સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના એકમો પર સશસ્ત્ર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઇ પણ ઘટના બને તો શું કરવું તેનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
ભારત-પાકિસ્તાન વચ્ચેની તનાવપૂર્ણ સ્થિતિને અનુલક્ષીને શહેર પોલીસ કમિશનરે આંતરિક સુરક્ષા વ્યવસ્થા માટેની એક સ્કીમ તૈયાર કરી છે.જેમાં કેમિકલ ઇન્ડસ્ટ્રિઝ, નંદેસરીની કંપનીઓ,લશ્કરી એકમો,એરપોર્ટ, ઓઇલ કંપનીઓ વગેરેના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વની મીટિંગ કરવામાં આવી હતી.
સંરક્ષણની દ્ષ્ટિએ મહત્વના એકમો પર આધુનિક શસ્ત્રો તેમજ ડોગસ્કવોડ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સાથે પોલીસને તૈનાત રાખવામાં આવી છે અને કોઇ પણ પ્રકારની ઇમરજન્સીને પહોંચી વળવા માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે.
પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે કહ્યું હતું કે,શહેરની તમામ પોલીસ ચેકપોસ્ટ પર હાજર રહેશે અને નાકાબંધી કરી વાહનો તેમજ શંકાસ્પદ લોકોને તપાસશે.આ ઉપરાંત કોઇ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો નાગરિકોને તરત જ પોલીસ કંટ્રોલ રૃમ કે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
અફવા તેમજ દેશદ્રોહી મેસેજો પર નજર રાખવા સાયબર સેલની બે ટીમ કાર્યરત
યુધ્ધની સ્થિતિ વચ્ચે આંતરિક સુરક્ષા જોખમાય નહિ તે માટે સાયબર સેલની પણ બે ટીમ તૈયાર કરવામાં આવી છે.સાયબર સેલ દ્વારા અફવા ફેલાવતા હોય,ઉશ્કેરણી કરતા હોય તેમજ દેશદ્રોહી પ્રવૃત્તિને લગતા મેસેજો પર નજર રાખવામાં આવશે અને આવા મેસેજો દૂર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પહેલીવાર ખાનગી સિક્યુરિટીના 10000 જવાનોની સુરક્ષા માટે મદદ લેવાઇ
શહેર પોલીસે સુરક્ષાના કારણોસર જુદીજુદી શૈક્ષણિક સંસ્થા,ખાનગી ઔધોગિક એકમો ,એટીએમ,બેન્ક જેવા ક્ષેત્રોમાં સુરક્ષા વ્યવસ્થા સંભાળતી ૩૦૦ જેટલી ખાનગી સિક્યુરિટી એજન્સીના સંચાલકો સાથે મીટિંગ કરી તેના ૧૦ હજાર જેટલા જવાનોની ઇમરજન્સી વખતે કેવી રીતે મદદરૃપ થશે તે માટે ચર્ચા કરી સૂચનાઓ આપી હતી.