સંત સરોવરમાં માછીમારી કરનાર બે શખ્સ વિરૃધ્ધ પોલીસ કાર્યવાહી
જાહેરનામાનો ભંગ કરીને નદીમાં ઉતરી
જોખમી ૧૭ જેટલા જળાશયોમાં નાગરિકોને નહીં ઉતરવા તંત્રની અપીલઃપોલીસને પણ જાહેરનામાનું કડક પાલન કરાવવા સુચન
તાજેતરમાં સંત સરોવર સંપૂર્ણ ભરાઈ ગયું છે અને તેના દરવાજા
ખોલીને તબક્કાવાર પાણી ધોળેશ્વર અને ભાટ તરફ છોડવામાં આવી રહ્યું છે. આ સ્થિતિમાં, પાણીમાં તણાઈને
આવતી માછલીઓ પકડવાના લોભમાં કેટલાક માછીમારો જીવના જોખમે અહીં ઝાળ બિછાવીને બેઠા
હોવાનું સામે આવ્યું છે. આવા જ એક કિસ્સામાં,
રાજુભાઈ મસુરભાઈ દંતાણી અને તેમના ભાઈ કમલેશભાઈ દંતાણીની પોલીસે જાહેરનામા ભંગ
કરવા બદલ ધરપકડ કરી છે. આ બંને ભાઈઓએ જાહેરનામાનો ભંગ કરીને જળાશયમાં પ્રવેશ કર્યો
હતો. પોલીસે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના બાદ,
ગાંધીનગરના નાગરિકોને જળાશયોની નજીક ન જવા અને કલેક્ટરના જાહેરનામાનું પાલન
કરવા માટે વિનંતી કરવામાં આવી છે. તદુપરાંત,
પર્વ અને વ્રતના દિવસો દરમિયાન પણ પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારીને
જાહેરનામાનું પાલન થાય તે માટે કાર્યવાહી કરવામાં આવશે.