સાડા ચાર વર્ષની બાળકીની જાતીય સતામણીના કેસમાં આરોપીને જન્મટીપ
પોક્સો સ્પેશ્યલ કોર્ટનો દાખલારૂપ ચુકાદો
બાપુનગર પીઆઇ એ.પી.ગઢવી દ્વારા આ કેસમાં વૈજ્ઞાાનિક ઢબે તપાસ કરી મહત્ત્વના પુરાવા એકત્ર કરી અદાલતમાં રજૂ કર્યા હતા,
અમદાવાદ, શનિવાર
શહેરના બાપુનગર વિસ્તારમાં માત્ર ચાર વર્ષ અને ૧૧ મહિનાની માસૂમ બાળકી સાથે છેડતી અને જાતીય સતામણીના કેસમાં અત્રેની પોક્સો સ્પેશ્યલ કોર્ટે એક દાખલારૂપ ચુકાદા મારફતે આરોપી સંજય બાબુલાલ રાણા(વણકર)ને જન્મટીપની આકરી સજા ફટકારી છે. પોક્સો સ્પેશ્યલ જજ અસ્મિકાબેન બી.ભટ્ટે આરોપીને સાત લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે અને દંડની આ રકમ વળતર પેટે ભોગ બનનાર બાળકીને આપવા પણ ચુકાદામાં ઠરાવ્યું છે.
વિકૃત માનસિકતાવાળા આવા આરોપીઓના ઘૃણાસ્પદ કૃત્યોથી ડરેલા માતા-પિતા તેમના બાળકોના રમવા માટે મોકલી શકતા નથીે
કોર્ટે જો આરોપી દ્વારા દંડની રકમ ના ભરવામાં આવે તો તેને વધુ પાંચ વર્ષની સજા ભોગવવા પણ હુકમ કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે, આ ઉંમરના બાળકો ભોગ બનાવવા માટે સોફ્ટ ટાર્ગેટ હોય છે કારણ કે, આવા નાના બાળકોમાં કાલ્પનિક ભયની દુનિયા હોય છે. જેમ કે, જો તેઓ કોઇ અજાણી વ્યકિત દ્વારા આપવામાં આવતી ચોકલેટ, મીઠાઇ કે કંઇ વસ્તુ સ્વીકારે તો તેના માતા-પિતા તેમને ઠપકો આપશે, તેથી આરોપીઓ જેઓ આ પ્રકારની વિકૃત માનસિકતા ધરાવે છે, તેઓ આવા નાના બાળકોના માનસિક ડરનો દૂરપયોગ કરી રહ્યા છે અને આ પ્રકારના ઘૃણાસ્પદ કૃત્ય આચરી રહ્યા છે. જો આ પ્રકારના ગંભીર ગુનાહિત કૃત્યોને હળવાશથી લેવામાં આવે તો, નાના બાળકોના કોઇપણ માતા-પિતા તેમના બાળકોને તેમની નજરથી દૂર નજીકના વિસ્તારોમાં રમવા માટે મોકલી શકતા નથી. આરોપીએ જે ગુનાહિત કૃત્ય કર્યું છે એ માત્ર વાસના છે અને તેથી આ કોર્ટનો સાફ મત છે કે, આ પ્રકારના આરોપીઓ કે જેઓ આવા ગુનાહિત કૃત્યો આચરી રહ્યા છે, તેઓને મહત્તમ સજા થવી જ જોઇએ. આમ, ઠરાવી પોક્સો સ્પેશ્યલ કોર્ટે આરોપી સંજય બાબુલાલ રાણાને જન્મટીપની મહત્તમ સજા ફટકારી હતી. કેસની વિગતો મુજબ, શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતી માત્ર ચાર વર્ષ અને ૧૧ મહિનાની એક માસૂમ બાળકી ગત તા.૮-૨-૨૦૨૧ના રોજ બગીચામાં રમવા ગઇ ત્યારે નજીકમાં જ રહેતાં આરોપી સંજય બાબુલાલ રાણા(વણકર)એ ચોકલેટ આપવાના બહાને તેને પોતાના ઘરમાં લઇ ગયો હતો અને તેની સાથે જાતીય સતામણી અને છેડછાડ કરી હતી. બાદમાં બાળકીની પૂછપરછના આધારે આરોપીની ગુનાહિત કરતૂતનો પર્દાફાશ થતાં બાળકીના માતા-પિતાએ આરોપી સંજય બાબુલાલ રાણા(વણકર) વિરૂધ્ધ બાપુનગર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. બાપુનગર પીઆઇ એ.પી.ગઢવી દ્વારા આ કેસમાં વૈજ્ઞાાનિક ઢબે તપાસ કરી મહત્ત્વના પુરાવા એકત્ર કરી અદાલતમાં રજૂ કર્યા હતા, જે બહુ અગત્યના પુરવાર થયા હતા.
આ કેસનો ટ્રાયલ ચાલી જતાં રાજય સરકાર તરફથી અધિક સરકારી વકીલ કમલેશ જૈને ૧૧ જેટલા સાક્ષીઓ અને ૨૧ દસ્તાવેજી પુરાવાઓના આધારે ફરિયાદપક્ષનો કેસ નિશંકપણે પુરવાર કર્યો હતો અને આરોપીને પોક્સો એકટ હેઠળ તેમ જ સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદાઓને ધ્યાનમાં રાખી સખતમાં સખત સજા ફટકારવા દલીલો કરી હતી. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી પોક્સો સ્પેશ્યલ કોર્ટે આરોપી સંજય બાબુલાલ રાણા(વણકર)ને આજીવન કેદની સજા ફટકારી હતી.