Gujarat

દૂષ્કર્મ પીડિતા તરૂણીની ઓળખ છતી કરનાર મહિલા વકીલ વિરૂધ્ધ પોક્સોનો ગુનો દાખલ

By GS TEAM
18 Jul 20253 mins read
દૂષ્કર્મ પીડિતા તરૂણીની ઓળખ છતી કરનાર મહિલા વકીલ વિરૂધ્ધ પોક્સોનો ગુનો દાખલ

રીબડાના ચકચારી અમીત ખુંટ આપઘાત કેસમાં નવો વળાંક અગાઉ હનીટ્રેપ-આપઘાત પ્રકરણમાં પોલીસ અને રાજકીય-સામાજિક આગેવાનો સામે ગંભીર આક્ષેપો કરનાર સગીરાના પિતાએ પોતાનાં જ મહિલા વકીલ સામે ફરિયાદ નોંધાવતા ચકચાર 

ગોંડલ, : ગોંડલ તાલુકામાં છેલ્લા બે મહિનાથી અનેક ઉતાર-ચડાવ સાથે અતિ ચર્ચાસ્પદ બનેલા રીબડાના અમીત ખુંટ આપઘાત કેસમાં ફરી એક નવો વળાંક આવ્યો છે, જેમાં હવે દૂષ્કર્મ પીડિતા તરૂણીની ઓળખ છતી કરવા બદલ તેણીના જ મહિલા વકીલ ભૂમીબેન પટેલ વિરૂધ્ધ પોક્સોનો ગુનો દાખલ થયો છે. અગાઉ હનીટ્રેપ-આપઘાત પ્રકરણમાં પોલીસ અને રાજકીય-સામાજિક આગેવાનો સામે ગંભીર આક્ષેપો કરનાર સગીરાના પિતાએ આજે એકાએક પોતાનાં જ મહિલા વકીલ સામે ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે.

વિગત પ્રમાણે, રાજકોટમાં મોડેલિંગનું કામ કરતી એક સગીરાએ ગત તા.૩ મેના રોજ રીબડાનાં સામાજિક કાર્યકર અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના બે દિવસ બાદ તા.૫ મેના રોજ આરોપી અમિત ખૂંટે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જેમાં પોલીસે તપાસ કરતા મૃતક યુવાનને હનીટ્રેપમાં ફસાવ્યાનું ખુલતા ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાયદાના સંઘર્ષમાં આવેલી દૂષ્કર્મ પીડિતા સગીરા સહિતના લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેથી પોલીસે સગીરાને જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ ખાતે મોકલી આપી હતી, અને ત્યાંથી જરૂરી કાર્યવાહી બાદ બાળકીશોરીને વડોદરા ખાતે બાળ સુધારણા ગૃહમાં મોકલી આપી હતી. 

વડોદરાના બાળ સુધાર ગૃહમાંથી મુક્ત થયા બાદ ગત જૂન મહિનામાં દુષ્કર્મ પીડિતા તરૂણીએ પોતાના વકીલ ભૂમિબેન પટેલ મારફત ગોંડલ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી કે તેણીને ધાક-ધમકી આપીને નિવેદન આપવા માટે મજબુર કરવામાં આવી હતી. જેમાં તેણીએ ડીસીપી જગદીશ બાંગરવા, પોલીસ અધિકારીઓનાં નામ આપ્યાં હતા, જેમાં ડીસીપી જગદીશ બાંગરવા, ડીવાયએસપી કે. જી. ઝાલા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેના પુત્ર ગણેશ જાડેજા સહિત કુલ ૨૮ નામ લખાવ્યાં હતાં. બાદમાં વકીલ ભૂમિબેન પટેલે મીડિયા સમક્ષ આવીને પોતાની અસીલ એવી દુષ્કર્મ પીડિતા તરૂણીની આપવિતી અંગે પોલીસ અને રાજકીય આગેવાનો સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. પરંતુ હવે આ કેસમાં વળાંક આવ્યો છે. પીડિતાના પિતાએ તેમની સગીર પુત્રીની ઓળખ જાહેર કરવા બદલ તેમના જ વકીલ ભૂમિ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, વકીલે પોક્સો એક્ટનું ઉલ્લંઘન કરીને પીડિત સગીરાની ઓળખ છતી કરી છે તેમજ માતા-પિતાની વિગતો પણ જાહેર કરી છે. 

મીડિયા ઈન્ટરવ્યુમાં મહિલા વકીલે સગીરાનું નામ ઉચ્ચાર્યું હતું: પોલીસ

ગોંડલ તાલુકા પોલીસે આજે જાહેર કર્યું કે, વકીલ ભુમીબેન પટેલે બાળકીશોરી પાસે મીડિયામાં એક ઈન્ટરવ્યુ અપાવ્યો હતો, જેમાં પોતે બાળકીશોરીનું નામ ઉચ્ચાર્યું હતું. જે બાબતે કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકીશોરીના પિતાને સોશિયલ મીડિયા મારફતે જાણ થતા તેમણે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન આવીને પોતાની સગીર વયની દીકરીની ઓળખ જાહેરમાં છતી કરવા બાબતે પોતાના જ વકીલ ભુમીબેન પટેલ વિરૂધ્ધ બાળકિશોરી તથા તેના પરિવારની આબરૂને હાની પહોંચાડવા બદલ ફરિયાદ નોંધાવતા  પોક્સો એકટ તથા જુવેનાઇલ જસ્ટીસ એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.