અમદાવાદ, સોમવાર
નારોલમાં આવેલા ગોસીયા પાર્કમાં રહેતા મોહંમદ અંસારી વિરૂદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં એક 17 વર્ષ સાત મહિનાની ઉમંરની સગીરા પર દુષ્કર્મ કરવાના અનુસંધાનમાં પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે અંગે નારોલ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરીને તેને સાબરમતી જેલમાં મોકલી આપ્યો હતો. મોહંમદ અંસારીએ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી.
જેમાં વકીલ પ્રિયંકા શુક્લા અને ફૈઝાન પઠાણે દ્વારા આરોપી તરફે દલીલ કરવામાં આવી હતી કે પોક્સો કેસની ચાર્જશીટ પોલીસ દ્વારા ફાઇલ કરવામાં આવી ચુકી છે. જેથી આરોપી દ્વારા પુરાવા સાથે ચેડા કરવાની શક્યતા રહેતી નથી અને કેસની ટ્રાયલ લાંબો સમય ચાલે તે આરોપીને જેલમાં રહેવું પડે તેમ છે.
જેથી આરોપી નિયમિત જામીનની તમામ શરતોનું પાલન કરવા માટે તૈયાર છે. જો કે સરકારી વકીલ દલીલ કરી હતી કે આરોપીને જામીન મળે તો તે નાસી જઇ શકે છે. જો કે કોર્ટે ગુજરાત હાઇકોર્ટના અન્ય કેસના ચુકાદાને ધ્યાનમાં લઇને આરોપીની રેગ્યુલર જામીન અરજી મંજૂર કરી હતી. જેમાં આરોપીને કોર્ટની પરવાનગી વિના ગુજરાતની બહાર ન જવા, તેમજ જામીનને સ્વતંત્રતાનો ગેરઉપયોગ નહી કરે. તેમજ તેનો પાસપોર્ટ પણ કોર્ટમાં જમા કરાવવાનો રહેશે. આમ, ચકચારી પોક્સો કેસમાં આરોપીને નિયમિત જામીન મળ્યા હતા.


