Get The App

પોલીસ કસ્ટડીમાં જ પોક્સોના આરોપીનો આપઘાતનો પ્રયાસ : બ્લેડ વડે ગળું કાપ્યું

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
પોલીસ કસ્ટડીમાં જ પોક્સોના આરોપીનો આપઘાતનો પ્રયાસ : બ્લેડ વડે ગળું કાપ્યું 1 - image

- ગંભીર હાલતમાં યુવકને અમદાવાદ સિવિલ ખસેડાયો

- નડિયાદ રૂરલ પોલીસ દ્વારા અટકાયત કરેલા આરોપીએ ગભરાટમાં કે અન્ય કારણોસર આ કૃત્ય આચર્યાની શંકા

નડિયાદ : નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પોક્સોના ગુનામાં અટકાયત કરાયેલા ૨૧ વર્ષના યુવકે પોલીસ જાપ્તામાં જ ગળા અને ગુપ્તાંગના ભાગે બ્લેડ મારી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. ગંભીર રીતે ઘવાયેલા આરોપીને નડિયાદ સિવિલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પોક્સોના ગુના હેઠળ અટકાયતમાં લેવાયેલા ૨૧ વર્ષના એક યુવકે પોલીસના પહેરા હેઠળ જ આત્મઘાતી પગલું ભરતા ખળભળાટ મચી ગયો છે. પોલીસ જાપ્તામાં રહેલા આ આરોપીએ કોઈ પણ રીતે બ્લેડ મેળવી લઈ પોતાના ગળા પર અને ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. પોલીસ સ્ટેશનમાં જ ગંભીર રીતે ઘવાયેલા યુવકને પહેલા નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે તેની હાલત વધુ લથડતા તેને તાત્કાલિક પોલીસ એસ્કોર્ટ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી. આ સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસ મથકે બનાવની જાણવા જોગ નોંધ કરીને કાયદેસરની કાર્યવાહી આરંભી છે. પોલીસ કસ્ટડીમાં આરોપી પાસે બ્લેડ જેવી ચીજવસ્તુ ક્યાંથી આવી અને આ ઘટના સમયે જાપ્તામાં રહેલા કર્મચારીઓની શું ભૂમિકા હતી. તે અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોક્સો જેવા ગંભીર ગુનામાં પકડાયેલા યુવકે ગભરાટમાં કે અન્ય કોઈ કારણોસર આ કૃત્ય આચર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ પોલીસની પ્રાથમિકતા યુવકની સારવાર છે અને તેની સામે આત્મહત્યાના પ્રયાસના સંદર્ભમાં પણ તપાસ આગળ વધારવામાં આવશે.