રાજકોટની પો. કમિ. કચેરી, હેડક્વાર્ટરમાં પોલીસ કર્મીઓ પાસે ટ્રાફિક દંડ વસુલાત
શહેરમાં ઈ-મેમોની કરોડોની બાકી રકમ વસુલવા ઘરઆંગણે શરૂઆત 29 પોલીસ કર્મચારીઓ પાસે નંબર પ્લેટ, કાળા કાચ નિયમોના ભંગ બદલ રૂ।. 13,200 નો દંડ ઉપરાંત રૂ. 29,700ની જૂની વસુલાત : પોલીસ કર્મચારીઓના વાહનોનું આજે ચેકીંગ કરાયું
રાજકોટ, : રાજકોટમાં ટ્રાફિકના ઈ-મેમોથી પોલીસ અધિકારીઓને પણ છોડવાના નથી તેવો લોકોને મેસેજ આપવા આજે ટ્રાફિક પોલીસે પોલીસ કમિશનર કચેરી અને પોલીસ હેડ ક્વાર્ટરમાં વાહન લઈને આવતા પોલીસ કર્મચારીઓને અટકાવીને નંબર પ્લેટ, કારમાં કાળા કાચ વગેરેનું ચેકીંગ કરીને ટ્રાફિક નિયમોના ભંગ બદલ હાજર દંડ ઉપરાંત વાહનના નંબર પરથી જુનો નહીં ભરાયેલા દંડની વસુલાત કરાઈ હતી.
ટ્રાફિક બ્રાન્ચના આસિ.પોલીસ કમિશનર વી.આર.મલ્હોત્રાએ જણાવ્યા મૂજબ પોલીસ કમિશનરની સૂચના અન્વયે પોલીસ કર્મચારીઓના વાહનોનું આજે ચેકીંગ કરાયું હતું અને કારમાં કાળા કાચ રાખવા બદલ, નંબર પ્લેટ વગર વાહન ચલાવવું સહિત નિયમભંગ બદલ 29 વાહનો પર રૂ।. 13,200 નો દંડ ઉપરાંત વાહનોના નંબર પરથી જુના નહીં ભરાયેલા ઈ-મેમોની રૂ।. 29,700ની રકમ પણ વસુલ કરાઈ હતી. એટલું જ નહીં, જુની રકમ બાકી હોય તેવા 10 વાહનો ટોઈંગ કરીને પોલીસ મથકે લઈ જવાયા છે.
પોલીસે આ સાથે એવો સંદેશો આપ્યો છે કે પોલીસના કોન્સ્ટેબલથી માંડીને ઉચ્ચ અધિકારી કે પોલીસલાઈનમાં રહેતા લાઈનબોય સહિત કોઈ પણ નિયમભંગ કરશે તો કડક કાર્યવાહી કરાશે.આ સાથે જ લોકો સામે કડક કાર્યવાહી કરાશે તેમ પણ જણાવી દેવાયું છે. કોરોના કાળમાં ઈ-મેમો બંધ કરાયા હતા પરંતુ, ફરી તે શરૂ કરાયા છે. ખાસ કરીને કાળા કાચ લગાવીને હંકારાતી મોટરકારો, પૂરપાટ વેગે હંકારાતા વાહનો સામે કડક ઝૂંબેશ સલામતિ માટે પણ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ઈ-મેમોથી ફટકારાયેલા દંડના કરોડો રૂ।.વસુલવાના બાકી છે.