PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પોતાના પ્રવાસના બીજા દિવસે બહુચરાજીમાં મારુતિ સુઝુકીની પ્રથમ ઈલેક્ટ્રિક કાર 'Maruti e Vitara'નું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકીના નવા બેટરી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર અને બેટરી પ્લાન્ટ ભારતના ઈલેક્ટ્રિક વાહન ક્ષેત્રને એક નવી દિશા આપશે.
'Maruti e Vitara' - મેક ઇન ઇન્ડિયા પહેલનું ઉત્તમ ઉદાહરણ
'Maruti e Vitara' ભારતમાં સંપૂર્ણપણે નિર્મિત પ્રથમ ઈલેક્ટ્રિક કાર છે. આ કાર જાપાન સહિત 100થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે. જે 'મેક ઇન ઇન્ડિયા' પહેલની વૈશ્વિક સફળતા દર્શાવે છે. આ પ્રોજેક્ટ ભવિષ્યમાં ગુજરાતને ઈલેક્ટ્રિક વાહન ક્ષેત્રનું એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બનાવશે, જેનાથી રોજગારીની નવી તકો ઊભી થશે અને આર્થિક વિકાસને વેગ મળશે.
બેટરી પ્લાન્ટ - આત્મનિર્ભર ભારત તરફ એક કદમ
નવા બેટરી પ્લાન્ટના ઉદ્ઘાટનથી ભારતમાં લિથિયમ-આયન બેટરીના હાઇબ્રિડ ઈલેક્ટ્રોડનું સ્થાનિક ઉત્પાદન શરુ થશે. આ પગલું ભારતની બેટરી ઈકોસિસ્ટમને નવો તબક્કો આપશે અને વિદેશી નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે. આ પ્લાન્ટ ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપશે, જે સ્વચ્છ ઊર્જા અને પર્યાવરણ સંરક્ષણ માટે મહત્ત્વપૂર્ણ છે. ગુજરાતમાં ઈ-મોબિલિટી ક્ષેત્રે આ પગલું ઔદ્યોગિક વિકાસનો નવો દોર ખોલશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
બપોરે 1:00 વાગ્યાની આસપાસ વડાપ્રધાન મોદી અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે. તેમનો આ ગુજરાત પ્રવાસ રાજ્યના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થયો છે. આ પગલું વડાપ્રધાનના 'મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ' વિઝનને વધુ મજબૂત બનાવે છે.


