Get The App

વડાપ્રધાન 28 ઑક્ટોબરે આવશે ગુજરાત, રાજ્યના આ આઠ જિલ્લાને આપશે 4800 કરોડના વિકાસકાર્યોની ભેટ

Updated: Oct 25th, 2024

GS TEAM

Google News
Google News
વડાપ્રધાન 28 ઑક્ટોબરે આવશે ગુજરાત, રાજ્યના આ આઠ જિલ્લાને આપશે 4800 કરોડના વિકાસકાર્યોની ભેટ 1 - image

PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 ઑક્ટોબરે ગુજરાત આવી રહ્યા છે. જેમાં ગુજરાતીઓને દિવાળી પહેલાં વિવિધ વિકાસકાર્યોની ભેટ મળશે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ અમરેલી જિલ્લામાં 4800 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને બોટાદ જિલ્લાના લગભગ 1600 જેટલા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. 

પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

વડાપ્રધાન 705 કરોડના પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ સાથે તેઓ અમરેલીના ગાગડિયો નદી પર 35 કરોડના ખર્ચે બનેલા ભારત માતા સરોવરનું લોકાર્પણ કરશે, 20 કરોડના પિટ રિચાર્જ, બોર રિચાર્જ અને કૂવા રિચાર્જ સહિતના એક હજાર કામોનું ખાતમુહૂર્ત અને 590 કામોનું લોકાર્પણ કરશે. આ સિવાય 2800 કરોડ રૂપિયાથી વધુના નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)ના વિવિધ કાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમજ 1094 કરોડના ખર્ચે રેલ વિભાગ હેઠળ ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે. 

આ પણ વાંચોઃ 'અમરેલીને આપેલા વચનો યાદ અપાવવા પડશે', વડાપ્રધાનની મુલાકાત પહેલા કોંગ્રેસની લોકોને અપીલ

ચાર નેશનલ હાઇવેની મળશે ભેટ

NHAIના લોકાર્પણના 4 વિકાસકાર્યોમાં 768 કરોડના ખર્ચે NH 151Aના ધ્રોળ-ભાદરા-પાટિયા સેક્શન અને ભાદરા પાટિયા–પિપળિયા સેક્શનનું ચારમાર્ગીયકરણ, 1025 કરોડના ખર્ચે NH 151Aના દ્વારકા-ખંભાળિયા-દેવરિયા સેક્શન- 203 કિમીથી 176 કિમી અને 171 કિમીથી 125 કિમી સેક્શનનું ચારમાર્ગીયકરણ, 136 કરોડના ખર્ચે NH 51ના માધવપુરથી પોરબંદર સેક્શન (338 કિમીથી 379 કિમી)નું ચારમાર્ગીયકરણ અને 256 કરોડના ખર્ચે NH 151ના જેતપુર-સોમનાથ સેક્શનના ચારમાર્ગીયકરણ પર જૂનાગઢ બાયપાસ સહિતના બાકી કામોના બાંધકામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ 626 કરોડના ખર્ચે જામનગર જિલ્લાના ધ્રોળ બાયપાસથી મોરબી જિલ્લાના આમરણ સુધીના ખૂટતા સેક્શનના ચારમાર્ગીયકરણના કામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. 

67 લાખ લાભાર્થીઓને મળશે વધુ પાણી

705 કરોડના વિકાસકાર્યોમાં બોટાદ જિલ્લા માટે નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇનનું લોકાર્પણ તેમજ ભાવનગર જિલ્લામાં પીવાના પાણી માટેની પસવી જૂથ ઓગમેન્ટેશન પાણી પુરવઠા યોજના ભાગ-2ના કામોના ખાતમુહૂર્તનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે બોટાદ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લાના 1298 ગામો અને 36 શહેરોના લગભગ 67 લાખ લાભાર્થીઓને વધારાનું 28 કરોડ લિટર પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જ્યારે, ભાવનગર જિલ્લામાં પીવાના પાણી માટેની સ્કીમો હેઠળ જિલ્લાના મહુવા, તળાજા અને પાલીતાણા તાલુકાના 95 ગામોને આવરી લેવામાં આવ્યા છે, જેની વસ્તી લગભગ 2.75 લાખ લોકોની છે. 

આ પણ વાંચોઃ PM મોદીના પ્રવાસ વચ્ચે રશિયન સબમરીન પહોંચી ભારત, જાણો UFA વિશે જેનાથી અમેરિકા પણ ડરે છે!

35 કરોડના ખર્ચે નિર્મિત ભારતમાતા સરોવરનું લોકાર્પણ

પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) મોડલ અન્વયે ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા 35 કરોડના ખર્ચે લાઠીના દુધાળા ખાતે હેતની હવેલી પાસે ભારતમાતા સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વોટરશેડ ડિપાર્ટમેન્ટ હસ્તકના 4.50 કરોડ લિટર પાણીની સંગ્રહશક્તિ ધરાવતા ચેકડેમને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ઊંડો કરવામાં આવ્યો છે, તેની પહોળાઈ પણ વધારવામાં આવી છે, અને ચેકડેમની બંને બાજુએ માટી નાખીને તેની મજબૂતાઈમાં વધારો કરવામાં આવ્યો છે. તેના પરિણામે ચેકડેમની પાણીની સંગ્રહશક્તિમાં 20 કરોડ લીટરનો વધારો થયો છે. આ ચેકડેમને ભારતમાતા સરોવર નામ આપવામાં આવ્યું છે, અને હાલ ભારતમાતા સરોવરમાં અંદાજે 24.50 કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. તેના કારણે આજુબાજુના ખેતરમાં આવેલા બોર તેમજ કૂવાના પાણીના સ્તરમાં વધારો થયો છે, જેના લીધે આસપાસના ગામોમાં પાણીની સગવડ થઈ છે અને ગામના ખેડૂતોને સિંચાઈ માટે પરોક્ષ રીતે લાભ મળ્યો છે.