PM Modi Visits Somnath for Swabhiman Parv : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં 'સ્વાભિમાન પર્વ' ઉજવાઈ રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે સાંજે તેઓ રાજકોટથી હેલિકોપ્ટર મારફતે સોમનાથ પહોંચ્યા. હેલિપેડથી સોમનાથ મહાદેવ મંદિર સુધી PM મોદીનો રોડ શો પણ યોજાયો હતો.
હમીરજી સર્કલથી પગપાળા સોમનાથ મંદિરે ગયા PM
સોમનાથ મંદિર પહોંચી VIP ગેસ્ટહાઉસમાં સોમનાથ ટ્રસ્ટ બેઠકમાં PM મોદીએ અધ્યક્ષતા કરી હતી. જે બાદ વડાપ્રધાન હમીરજી સર્કલથી પગપાળા સોમનાથ મંદિરે ગયા હતા જ્યાં સોમનાથ મહાદેવના દર્શન કરી આરતી પૂજન કર્યા હતા.
મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. બાદમાં PM મોદીએ મંદિર પરિસરની ખુલ્લી જગ્યામાં ઓમકાર મંત્રના જાપ કર્યા હતા અને ડ્રોન શો નિહાળ્યો હતો.આ ડ્રોન-શોમાં કુમારપાળ સોલંકી, માતા અહિલ્યાબાઈ હોલકર અને વીર હમીરજી ગોહિલ, સરદાર પટેલની ઝાંખી દર્શાવાઈ હતી. જે બાદ ભવ્ય આતશબાજી પણ માણી હતી.
સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ
સોમનાથ મંદિરમાં 72 કલાકના ઓમકાર જાપ અનુષ્ઠાનમાં સહભાગી થયા હતા જે બાદ PM મોદીએ હાથમાં ત્રિશુળ ઉપાડ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા પછી વડાપ્રધાન મોદી સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ માટે રવાના થયા હતા.
આવતીકાલના કાર્યક્રમો
તા. 11 જાન્યુઆરીના રોજ ભગવાન સોમનાથના દર્શન-અર્ચન કરીને આ પર્વમાં સહભાગી થશે. દર્શન-અર્ચન બાદ વડાપ્રધાન સોમનાથ મંદિરની બહાર સ્થિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ ઉપરાંત તેઓ એક ભવ્ય રોડ-શો અને શૌર્ય યાત્રામાં જોડાશે તથા એક જનસભાને સંબોધન કરશે. બપોરે 1 વાગ્યાની આસપાસ સોમનાથ હેલીપેડથી રાજકોટ જવા રવાના થશે. જ્યાં મારવાડી યુનિવર્સિટી ખાતે વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેશે જે બાદ સાંજે અમદાવાદથી ગાંધીનગર પહોંચી મહાત્મા ગાંધી મેટ્રો સ્ટેશનનું ઉદ્ધાટન કરશે.

રાજકોટમાં PM મોદીનું સ્વાગત:

સોમનાથમાં કયા કયા કાર્યક્રમમાં જોડાશે PM મોદી
ગુજરાત આવ્યા બાદ શનિવારે સાંજે વડાપ્રધાન મોદી સૌથી પહેલા સોમનાથ પહોંચ્યા. અહીં તેઓ સોમનાથ મંદિર ટ્રસ્ટની ઓફિસમાં બેઠક કરશે તથા સોમનાથ દાદાના દર્શન પણ કરશે. પીએમ મોદી 'ઓમકાર જપ'માં પણ સામેલ થવાના છે. બીજા દિવસે 11 જાન્યુઆરીએ સવારે સોમનાથ દાદાની પૂજા-અર્ચના બાદ તેઓ ભવ્ય શોભાયાત્રામાં સામેલ થશે અને એક સભાને પણ સંબોધિત કરશે. નોંધનીય છે કે સોમનાથ મંદિરમાં શંખનાદ અને વેદિક મંત્રો સાથે 72 કલાકનો ઓમકાર જપ શરૂ કરવામાં આવ્યો છે. પીએમ મોદીના આગમન પહેલા સોમનાથના તમામ રસ્તાઓ શણગારવામાં આવ્યા હતા.
PM મોદીના આગમન પહેલા શુક્રવારે સોમનાથમાં સાધુ સંતોએ ડમરૂ સાથે શૌર્ય યાત્રા કાઢી હતી. હર હર મહાદેવના નારા સાથે સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.
PM મોદીની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત
સોમનાથમાં પીએમ મોદીની સુરક્ષા માટે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સોમનાથના SP જયદીપ સિંહ જાડેજાએ જણાવ્યું હતું, કે પીએમ મોદીના કાર્યક્રમ માટે જળ, થલ અને નભ ત્રણેય સ્તરે સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. બે હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. 20થી વધુ IPS રેન્કના અધિકારી, વિવિધ ઈન્સ્પેક્ટર, SI અધિકારીઓને પણ તૈનાત કરાયા છે.
શું છે સોમનાથ સ્વાભિમાન પર્વ
નોંધનીય છે કે ઈસ 1026માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મહાદેવ મંદિર પર આક્રમણ કર્યો હતો. આ આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થવા પર સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. વારંવાર મંદિરને નષ્ટ કરવાના પ્રયાસ છતાં આજે પણ તે આસ્થાનું પ્રતિક બનીને ઊભું છે. આ સિવાય સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો તેના પણ 75 વર્ષ પૂર્ણ થયા છે.
રાજકોટમાં સભા સંબોધશે PM મોદી
11 જાન્યુઆરીએ શૌર્ય યાત્રામાં સામેલ થયા બાદ પીએમ મોદી તે વીર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપશે જેમણે સોમનાથ મંદિરની રક્ષા કરવામાં પ્રાણ ન્યોછાવર કર્યા. તે પછી પીએમ મોદી રાજકોટ પહોંચશે. અહીં રિજનલ વાઈબ્રેન્ટ ગુજરાત સમિટમાં સામેલ થશે. દોઢ વાગ્યે ટ્રેડ શોનું પણ લોકાર્પણ કરશે. બપોરે બે વાગ્યે તેઓ મારવાડી યુનિવર્સિટીના કાર્યક્રમને સંબોધિત કરશે. તે બાદ સાંજે તેઓ અમદાવાદ પહોંચશે. અહીં સાંજે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી મેટ્રો ફેઝ-2નું લોકાર્પણ કરશે.
અમદાવાદમાં કાઈટ ફેસ્ટિવલમાં સામેલ થશે PM મોદી અને જર્મનીના ચન્સલર
12મી જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી અમદાવાદમાં જર્મન ચાન્સલર ફ્રેડરિક મર્જ સાથે મુલાકાત કરશે. બંને નેતા સવારે સાબરમતી આશ્રમ જશે અને 10 વાગ્યે રિવરફ્રન્ટ પર ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લેશે. તે પછી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પીએમ મોદી અને ચાન્સલર મર્જ દ્વિપક્ષીય બેઠક પણ યોજશે. જેમાં મહત્ત્વપૂર્ણ કરાર થવાની શક્યતા છે.


