અંતિમ શક્તિ પ્રદર્શન: 1 અને 2 ડિસેમ્બરે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે, 7 જનસભા અને રોડ શો યોજશે
- હવે બીજા તબક્કા માટે ચૂંટણી પ્રચાર તેજ
અમદાવાદ, તા. 30 નવેમ્બર 2022, બુધવાર
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. રાજ્યમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના પડઘમ શાંત થયા છે. આવતી કાલે પ્રથમ તબક્કાનું વોટિંગ છે. હવે બીજા તબક્કા માટે ચૂંટણી પ્રચાર તેજ થયો છે. ગુજરાત ગૃહ રાજ્ય હોવાના કારણે વડાપ્રધાન મોદી પર બીજેપી માટે ચૂંટણી પ્રચારની મોટી જવાબદારી છે. ત્યારે પીએમ મોદી ફરી 1 અને 2 ડિસેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદી કુલ 7 જનસભાઓને સંબોધશે.
પીએમ મોદી 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાના મતદાનની વચ્ચે પંચમહાલ, કલોલ, છોટાઉદેપુરના બોડેલી અને હિમ્મતનગરમાં રેલી કરશે. ત્યાં 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કામાં મતદાન થશે. કલોલમાં ગુરૂવારે સવારે 11:00 વાગ્યે, બોડેલીમાં 12:30 અને હિમ્મતનગરમાં 2:45 વાગ્યે પીએમ મોદીની રેલીઓ શેડ્યુલ છે. ત્યારબાદ પીએમ મોદી ગુરૂવારે રાત્રે ગાંધીનગરમાં રોકાશે.
ત્યાબાદ 2 ડિસેમ્બરના રોજ પીએમ મોદી બનાસકાંઠાના કનકરાજ, પાટણ, સોજિતરા, અને અમદાવાદમાં તાબડતોડ જનસભાને સંબોધિત કરશે. કનકરાજમાં સવારે 11:00 વાગ્યે રેલી, પાટણમાં 12:30 વાગ્યે, સોજિતરમાં 2:45 વાગ્યે અને અમદાવાદમાં અંતિમ રેલી સાંજે 7 વાગ્યે કરશે.
ગુજરાત ચૂંટણી માટે પીએમ મોદીએ 20 નવેમ્બરના રોજ સોમનાથ મંદિરમાં દર્શન કરી ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કર્યો હતો. અમદાવાદમાં 2 ડિસેમ્બરના રોજ રોડ શો અને રેલી સાથે બીજેપીનું પ્રચાર અભિયાન પૂર્ણ થશે.