સૌરાષ્ટ્ર-કચ્છની પ્રાદેશિક વાઈબ્રન્ટ સમિટના ઉદ્ધાટન માટે દેશ-વિદેશના 5,000થી ઉદ્યોગપતિ સહિત VIP આગમન અન્વયે તા. 9થી 12 ડ્રોન ઉપર સંપૂર્ણ પ્રતિબંધ
રાજકોટ, : રાજકોટમાં આગામી તા. 11ના શહેરના બસ સ્ટેન્ડથી 25 કિ.મી.,માધાપર ચોકથી 19 કિ.મી.ના અંતરે મોરબી રોડ પર યોજાનાર 'વાઈબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજયન સમિટ'ના ઉદ્ધાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવશે. આ પહેલા દિવસોથી તેમનો રાજકોટ રેસકોર્સ રીંગરોડ પર રોડ શો યોજવાની શક્યતાઓ અને પર આજે સત્તાવાર રીતે પૂર્ણવિરામ મુકાયું છે અને હવે રોડ શો આયોજનમાં નહીં હોવાનું જાહેર કરાયું છે.
આ ઉપરાંત રાજકોટમાં તા. 12ના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવવાની શક્યતા છે. સત્તાવાર સૂત્રો અનુસાર રાજકોટમાં વિવિધ રાષ્ટ્રોના રાજદૂતો, ઉદ્યોગપતિઓ,રોકાણકારો સહિત 5,000થી વધુ વી.આ.પી.ઓ આવવાના છે. જેમની સુરક્ષાને ધ્યાનમાં લઈને પોલીસ કમિશનર દ્વારા આજે જાહેરનામુ બહાર પાડીને રાજકોટ અને આસપાસના તમામ પોલીસ કમિશનરેટ વિસ્તારમાં તા.૯થી તા. 12-1-2026 દરમિયાન ચારદિવસ ફોટોગ્રાફી વગેરે માટેના ડ્રોન, માઈક્રો લાઈટ એરક્રાફ્ટ વગેરે ઉડાડવા પર તથા હોટએર બલૂન વગેરે ઉપર પણ સંપૂર્ણ પ્રતિબંંધ મુકાયો છે.
વડાપ્રધાન રાજકોટ આવતા પૂર્વે સોમનાથ મહાદેવ મંદિરના દર્શનાર્થે જાય અને ત્યાં રાત્રિરોકાણ કરે તેવી પણ શક્યતા છે. આ અંગેનો ફાઈનલ કાર્યક્રમ પછીથી જાહેર કરાશે. વડાપ્રધાન સહિત વીવીઆઈપીના આગમનના પગલે શહેરના મુખ્યમાર્ગો પર રંગરોગાન, રસ્તા પર ડામરકામ સહિત તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે.


