PM Modi Visits Somnath for Swabhiman Parv: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા 'સોમનાથ સ્વાભિમાન પર્વ'માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ સોમનાથની મુલાકાતે છે. આજે (11મી જાન્યુઆરી) પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી સોમનાથમાં વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ ભવ્ય રોડ-શો (શૌર્યયાત્રા) યોજાઈ હતી. વડાપ્રધાન સોમનાથમાં શૌર્યયાત્રા, મંદિરમાં પૂજા અને સભા સંબોધન બાદ સીધા રાજકોટ પહોંચ્યા હતા અને રિજનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન કર્યું હતું. ત્યારબાદ તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ફેઝ-2નો શુભારંભ કરાવ્યો હતો.
PM મોદીની ગુજરાત મુલાકાત
PM મોદીએ મેટ્રો ફેઝ-2નું કર્યું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરના સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ફેઝ-2નો શુભારંભ કરાયો છે. વડાપ્રધાન મોદીએ મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી લીલીઝંડી બતાવીને ફેઝ-2નું લોકાર્પણ કર્યું હતું. ત્યાંથી તેઓ રાજભવન જવા રવાના થયા છે.
વડાપ્રધાન મોદી સોમનાથથી સીધા રાજકોટ પહોંચ્યા
વડાપ્રધાન સોમનાથમાં શૌર્યયાત્રા, મંદિરમાં પૂજા અને સભા સંબોધન બાદ સોમનાથથી સીધા રાજકોટ પહોંચ્યા હતા અને રિજનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન કર્યું હતું. જ્યાં અનેક એમઓયુ થવાની શક્યતા છે.
વડાપ્રધાન મોદીની સભા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતનાં પ્રવાસે છે. આજે તેઓ સોમનાથ મહાદેવ મંદિર સ્વાભિમાન પર્વમાં સામેલ થયા હતા. 108 અશ્વો સાથે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું. જે બાદ પીએમ મોદીએ સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી. દર્શન બાદ પીએમ મોદીએ સભા પણ સંબોધિત કરી હતી. તેમને કહ્યું હતું, કે સોમનાથ સ્વાભિમાન પર્વમાં ગર્વ, ગરિમા, ગૌરવ અને જ્ઞાન છે. ૐકારનો નાદ, મંત્રોચ્ચાર, ડ્રોન શો, શૌર્ય યાત્રા, ભજન... બધુ મંત્ર-મુગ્ધ કરી દે તેવું હતું.
સોમનાથ મહાદેવ મંદિર આજે પણ અડીખમ ઊભું છે: PM મોદી
પીએમ મોદીએ કહ્યું હતું, કે 1 હજાર વર્ષ અગાઉ આ સ્થળ પર કેવો માહોલ રહ્યો હશે! આપણાં પૂર્વજોએ આસ્થા, વિશ્વાસ અને મહાદેવજી માટે બલિદાન આપ્યા. હજાર વર્ષ બાદ આજે પણ સોમનાથ મહાદેવ મંદિરના શિખર પર લહેરાતી ધ્વજા ભારતની શક્તિ અને સામર્થ્યનું આહ્વાન કરી રહી છે. ગઝની અને ઔરંગઝેબ જેવા આક્રમણકારી વિચારી રહ્યા હતા કે તેમની તલવાર જીતી ગઈ. કટ્ટરપંથીઓ સમજી ન શક્યા કે જે સોમનાથને તે નષ્ટ કરવા માંગતા હતા, તેના નામમાં જ સોમ એટલ કે અમૃત જોડાયેલું છે. ગઝનીથી લઈને ઔરંગઝેબ સહિત સોમનાથ પર હુમલો કરનારા આક્રમણકારીઓ ઈતિહાસના પાનાંમાં દટાઈ ગયા, પણ સોમનાથ મહાદેવ મંદિર સમુદ્રના તટ પર આજે પણ અડીખમ ઊભું છે.

પીએમ મોદીએ કહ્યું હતું, કે સોમનાથ પર આક્રમણના 1 હજાર વર્ષ પૂર્ણ થયા. મંદિરના પુનઃનિર્માણના પણ 75 વર્ષ પૂર્ણ થયા. સોમનાથ નષ્ટ કરવા માટે એક નહીં, અનેક વખત પ્રયાસ થયા. વિદેશી આક્રમણકારીઓએ સદીઓ સુધી ભારતને નષ્ટ કરવા પ્રયાસ કર્યા. પણ ના સોમનાથ નષ્ટ થયું, ના ભારત.
શૌર્યયાત્રા બાદ વડાપ્રધાન મોદીએ કરી સોમનાથ મહાદેવની પૂજા
વડાપ્રધાન મોદી સોમનાથમાં આયોજિત ભવ્ય શોર્યયાત્રામાં જોડાયા હતા. જેના બાદ તેઓ મંદિરમાં મહાદેવની પૂજા કરવા પહોંચ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શૌર્યયાત્રામાં જોડાયા
લ્યો કરો સોમનાથ મહાદેવના દર્શન....
સોમનાથ દાદાની નગરીમાં ભક્તોમાં ભારે ઉત્સાહ
આજે વહેલી સવારથી જ શૌર્યયાત્રાને લઇને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. થોડી વારમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમાં ભાગ લેવા પહોંચશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી એક મહાસભાને સંબોધશે પછી રાજકોટ જવા રવાના થશે.
પીએમ મોદીનું સોમનાથમાં આજનું શિડ્યુલ
'સોમનાથ સ્વાભિમાન પર્વના બીજા દિવસે પીએમ મોદી સવારે સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર પહોંચશે, જ્યાં 35 મિનિટ સુધી સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરશે. ત્યારબાદ પીએમ મોદી શંખ સર્કલ પહોંચશે અને શૌર્યયાત્રામાં 2 કિમીનો રોડ શો કરીને સદભાવના ગ્રાઉન્ડ સભા સ્થળ સુધી પહોંચશે. શોર્યના પ્રતીક સમાન 108 તાલીમબદ્ધ અશ્વો સાથે યોજાનારી આ શોર્ય યાત્રા ભારતના શૌર્ય, પરંપરા અને સંસ્કૃતિનું ભવ્ય પ્રતિક બનશે જે સોમનાથના ઇતિહાસમાં એક યાદગાર અધ્યાય ઉમેરશે.
શૌર્યયાત્રા કરીને પીએમ મોદી સદભાવના ગ્રાઉન્ડ પહોંચશે. જ્યા એક કલાક સુધી સભાને સંબોધન કરશે. ત્યારબાદ પીએમ મોદી 12:45 કલાકે સોમનાથથી રાજકોટ જવા રવાના થશે. જ્યા મારવાડી યુનિવર્સીટી સૌરાષ્ટ્ર-કચ્છ વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ અમદાવાદ રવાના થશે. અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી બાયરોડ ગાંધીનગર જશે. જ્યા સાંજે 5:15 વાગ્યે મહાત્મા ગાંધી મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે અને રાજભવનમાં રાત્રિરોકાણ કરશે.
આ પણ વાંચો: અમદાવાદમાં રિવરફ્રન્ટ પર પક્ષીઓને ચણ તેમજ પ્રાણીઓને ખોરાક આપવા સામે પ્રતિબંધ મૂકાયો
સોમનાથમાં પીએમ મોદીની સુરક્ષા માટે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સોમનાથના SP જયદીપ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 'પીએમ મોદીના કાર્યક્રમ માટે જળ, થલ અને નભ ત્રણેય સ્તરે સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. બે હજારથી વધુ પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. 20થી વધુ IPS રેન્કના અધિકારી, વિવિધ ઈન્સ્પેક્ટર, SI અધિકારીઓને પણ તહેનાત કરાયા છે.'
શું છે સોમનાથ સ્વાભિમાન પર્વ
નોંધનીય છે કે ઈસ 1026માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મહાદેવ મંદિર પર આક્રમણ કર્યો હતો. આ આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થવા પર સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. વારંવાર મંદિરને નષ્ટ કરવાના પ્રયાસ છતાં આજે પણ તે આસ્થાનું પ્રતિક બનીને ઊભું છે. આ સિવાય સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો તેના પણ 75 વર્ષ પૂર્ણ થયા છે.


