- સરથાણામાં
ત્રીજા માળેથી પડતા જીવ ગુમાવ્યોઃ મગદલ્લામાં મિત્રને મળવા ગયેલો યુવાન ત્રીજા માળેથી
પટકાતા મોત
સુરત :
સરથાણામાં ઝુલા પર બેસીને યુવાન પ્લમ્બરીંગ કામ કરતો હતો. ત્યારે દોરડું તુટી જતા ત્રીજા માળેથી નીચે પટકાયેલા યુવાનનું મોત થયુ હતુ. બીજા બનાવમાં ઉધના મગદલ્લામાં મિત્રને મળવા ગયેલો યુવાન ત્રીજા માળેથી પડી જતા મોતને ભેટયો હતો.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મોટા વરાછામાં વી.આઇ.પી સર્કલ પાસે રહેતો 35 વર્ષીય પવન લોટન સોનવણે સોમવારે બપોરે સરથાણાના રાજહંસ સ્વપ્ન સોસાયટીમાં ભાસ્કર ટાવરમાં પ્લમ્બરીંગ કામ કરતો હતો. તે દોરડાના ઝુલા પર બેસીને ઉપરથી નીચે આવતો હતો. ત્યારે દોરડુ તુટી જતા ત્રીજા માળેથી પટકાયો હતો. જેમાં તેને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે મોત થયુ હતુ. આ અંગે સરથાણા પોલીસે તપાસ આદરી છે.
બીજા બનાવમાં બમરોલી રોડ પર આશાપુરી સોસાયટીમાં રહેતો 32 વર્ષીય મારૃ ભગેલુ બિંદ સોમવારે રાતે ઉધના મગદલ્લા રોડ પર રોલ પ્રેસના કારખાનામાં કામ કરતા વતન બિહારના મિત્રને મળવા ગયો હતો. બાદમાં તે ત્યાં સુઇ ગયો હતો. જોકે તે મોડી રાતે લઘુશંકા કરવા માટે ઉઠયો હતો. ત્યારે તે નીચે પાર્ક કરેલા ટેમ્પાને જોવા જતા ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. તેથી તેને સારવાર માટે નવી સિવિલમાં દાખલ કર્યો હતો. ત્યાં ટુંકી સારવાર દરમિયાન તેનું મોત થયુ હતુ. એવુ તેના મિત્રએ કહ્યુ હતુ. તે ટેમ્પો ચલાવતો હતો. આ અંગે ખટોદરા પોલીસે તપાસ હાથ ઘરી છે.


