ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં કૌશલ્ય પ્રદર્શિત કરતા ખેલાડીઓ
સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી સીઝનની પ્રથમ યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ - 2025ની શરૂઆત થઈ છે. આજે પ્રથમ દિવસે સાંજે છ વાગ્યા સુધીમાં 350 જેટલી મેચો રમાઈ હતી.

તા.8થી 15 ઓગસ્ટ સુધી આયોજિત આ સ્પર્ધામાં સમગ્ર દેશભરમાંથી 1650 ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં પોતાની કિસ્મત અજમાવવા પ્રવેશ મેળવ્યો છે. આ સ્પર્ધા માટે 2600 એન્ટ્રીઓ આવી હતી. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાને આ ચેમ્પિયનશિપની યજમાની પ્રાપ્ત થઈ છે.આપણા પેડલર ઉચ્ચકક્ષાએ શાનદાર પ્રદર્શન કરી રહ્યા હોય આ વખતે વડોદરામાં પણ તેમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન રહેશે. ખેલાડીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે દર્શકો વધુ સંખ્યામાં આવે તેવી આયોજકોની અપીલ છે. ઉદ્ઘાટન પ્રસંગે પોલીસ કમિશનરે ટેબલ ટેનિસ પર હાથ અજમાવી જણાવ્યું હતું કે, દેશભરમાંથી સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ વડોદરામાં આયોજિત આ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહ્યા હોય શહેર માટે ગર્વની બાબત છે.