સુરત પાલિકાના વરાછા ઝોનના નાગરિક સુવિધા કેન્દ્રમાં પ્લે ઝોન બનાવાયો
Surat : સુરત શહેરમાં વેરો ભરવામાં અગ્રેસર એવા વરાછા ઝોનના નાગરિક સુવિધા કેન્દ્રમાં બાળકો સાથે વેરો ભરવા કે વિવિધ સુવિધા-અરજી માટે આવતા નાગરિકો માટે પ્લે ઝોન બનાવાયો છે. ઝોનના નાગરિક સુવિધા કેન્દ્રમાં લોકો સાથે આવતા બાળકો પણ મૂંઝવણમાં નહીં મુકાય તે માટે આ નવતર પ્રયોગ કરવામા આવ્યો છે. સુરતમાં વેકેશન પહેલા બનાવેલો આ પ્લે ઝોન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે.
સુરત પાલિકાના વરાછા એ ઝોનમાં નાગરિક સુવિધા કેન્દ્રમાં આવતા લોકોની સુવિધા વધારવા માટે નવતર પ્રયોગ કરવામા આવ્યો છે. વરાછા એ ઝોનમાં ઝોનમાં રહેતા લોકો પોતાના બાળકો સાથે આવે છે અને મહિલાઓ પણ બાળકોને લઈ આવે છે. આ અરજદારો લાઈનમાં ઉભા રહેતા હોય છે અને તેની સાથે બાળકો પણ ઉભા રહેતા હોય છે તે જોઈને ઝોનના અધિકારીઓ દ્વારા નાગરિક સુવિધા કેન્દ્રની એક ભાગને ગેમ ઝોનમાં ફેરવી દેવામાં આવ્યો છે.
જેના કારણે હવે વરાછા એ ઝોનના નાગરિક સુવિધા કેન્દ્રમાં લાંબો સમય માટે લાઈનમાં ઉભા રહેતા નાગરિકો સાથે આવેલા બાળકોને મજા પડી રહી છે. પહેલા પાલિકા કચેરીમાં આવતા અરજદારો સાથે આવેલા બાળકોને લાઈનમાં ઉભા રહેવું સજા લાગતું હતું પરંતુ હવે આ પ્લે ઝોનના બદલે મજા બની ગઈ છે.
પાલિકાના વરાછા એ ઝોનમાં નાગરિક સુવિધા કેન્દ્રમાં પ્લે ઝોન તે વેકેશન પહેલા બન્યો છે તેથી અહીં આવતા બાળકો ખુશ થઈ રહ્યાં છે અને વાલીઓ પણ ખુશ થઈ રહ્યાં છે. વરાછા એ ઝોન જેવી સુવિધા અન્ય ઝોનમાં પણ ઉભી કરવામાં આવે તેવી ડિમાન્ડ થઈ રહી છે.