વિશ્વામિત્રી નદીના પટમાંથી 967 મેટ્રિક ટન પ્લાસ્ટિક વેસ્ટ નીકળ્યો
વડોદરાઃ વડોદરા શહેરની વચ્ચેથી વહેતી વિશ્વામિત્રી નદીમાં ગટરોનું પાણી સીધે સીધું ઠલવાય છે તે બધા જ જાણે છે.તેની સાથે સાથે વિશ્વામિત્રી નદી પ્લાસ્ટિકના કચરાનું પણ ઘર બની ગઈ છે.વિશ્વામિત્રી નદી અને તેના કિનારા પરથી તાજેતરમાં ૯૬૭ મેટ્રિક ટન પ્લાસ્ટિકનો કચરો નીકળ્યો છે.
વડોદરામાં ગત વર્ષે આવેલા વિનાશક પૂર બાદ વિશ્વામિત્રી નદીને ઉંડી કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે.તેની સાથે સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદીના પટમાંથી અને ખોદી કઢાયેલી માટીમાંથી પ્લાસ્ટિકનો કચરો કાઢવા માટેનો પ્રોજેકટ પણ હાથ ધરાયો છે.
વિશ્વામિત્રી નદીના કિનારાઓ કચરો ઠલવાતો હોય છે અને તેમાં પ્લાસ્ટિકનુ પ્રમાણ પણ વધારે છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિકનો કચરો કાઢવા માટે કચરો વીણનારા ૨૭૧ વ્યક્તિઓને વિશ્વામિત્રીમાં જ્યાં જ્યાં ખોદકામ થઈ રહ્યું છે ત્યાં અને ખાસ કરીને જ્યાં પૂર દરમિયાન કચરો એકઠો થાય છે તેમજ જ્યાં કચરો નાખવામાં આવે છે ત્યાં કામે લગાડવામાં આવ્યા હતા.કચરો વીણનારા લોકોએ અત્યાર સુધીમાં વિશ્વામિત્રીમાંથી ૯૬૭ મેટ્રિક ટન પ્લાસ્ટિક વેસ્ટ કાઢ્યો છે.આ કચરો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા મંજૂર કરાયેલી રિસાયકલિંગ એજન્સીને સોંપવામાં આવ્યો છે.જ્યારે કચરો વીણનારા શ્રમિકોને શ્રમજીવી આર્થિક યોજના હેઠળ કચરાના વજન પ્રમાણે દરેક એક કિલો દીઠ ૩ રુપિયા આપવામાં આવ્યા છે.કોર્પોરેશનના સૂત્રોના કહેવા પ્રમાણે પ્લાસ્ટિકના આ કચરામાંથી બળતણ બનાવવામાં આવી રહ્યું છે.