ઈ. 1946માં સ્થપાયેલ શાળાની જમીન ઉપર બિલ્ડરોનો ડોળો : 10ને બદલે 7 ટ્રસ્ટી અને તેમાં પણ ઘરના માતા, પિતા, સાસુ, પત્નીઃ 41,529 ચોમી જનતાની જમીન બચાવવા પૂર્વ વિદ્યાર્થીઓ મેદાને
રાજકોટ, : આજે દેશવિદેશમાં વસતા વિખ્યાત તબીબો,વકીલો,ઈજનેરોએ જ્યાં શિક્ષણ લીધી તે સૌરાષ્ટ્રની એકમાત્ર વિવિધલક્ષી વિદ્યાલય એવી ઈ.સ. 1946માં રાજકોટના ટાગોરરોડ પર 41,529 ચો.મી. સરકારી જમીન ઉપર સ્થપાયેલી વિરાણી હાઈસ્કૂલની જમીન માત્ર રૂ. 51 કરોડમાં વેચી દઈને હડપવાના કારસા સામે ચાલતા આંદોલને વેગ પકડયો છે. સરકારી તંત્રએ શરતભંગ ઠર્યો છતાં આ સ્કૂલ પરિસરમાં ફૂડકોર્ટ સહિતની ધંધાદારી પ્રવૃતિ બંધ કરાવી નથી ત્યારે હવે સ્કૂલની ગરિમા અને જનતાની જમીન બચાવવા શનિવારે મહાસંમેલનનું આયોજન કરાયું છે.
આ અંગે વિરાણી મેદાન બચાવો સમિતિના ડો.પુરૂષોત્તમ પીપળીયાએ જણાવ્યું કે સૌરાષ્ટ્રની આ એકમાત્ર એવી સરકારી જમીન પરની સ્કૂલ છે જ્યાં ધો.૮થી વિજ્ઞાાન,કોમર્સ, ટેકનીકલ સહિત અભ્યાસક્રમો ભણાવાય છે. હાલ તેની કિંમત આશરે રૂ.1000 કરોડથી વધારે છે. આ પૈકી 5733 ચો.મી.જમીન જેની બજાર કિંમત રૂ. 150 કરોડથી વધુ છે તે 51.51 કરોડમાં વેચી નાંખવાનું કૌભાંડ હાથ ધરાયું છે જેની શ્રેયાંસ વિરાણી અને ટ્રસ્ટના પ્રમુખ જયંત દેસાઈ વિરૂધ્ધ તપાસની માંગણી કરાઈ છે.
સમિતિએ ઉમેર્યું કે આ પબ્લિક ટ્રસ્ટને ફેમીલી ટ્રસ્ટમાં ફેરવી દેવાયા છે, 10ને બદલે ઈરાદાપૂર્વક 7 ટ્રસ્ટી રખાયા છે જેમાં વિરાણી પરિવારના માતા,પિતા, પત્ની, સાસુને ટ્રસ્ટી બનાવાયા છે. ટ્રસ્ટમાં ફેરફાર પાછળ આર્થિક લેવડદેવડની શંકા છે . આ સ્કૂલ ૮૩ ટકા સરકારી ગ્રાન્ટ પર ચાલે છે ત્યારે બિલ્ડરો કે જમીનદારોને હવાલે કરી શકાય નહીં. આ માત્ર આર્થિક કૌભાંડ જ નહીં પણ હજારો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથેનો દ્રોહ છે જે સામે અવાજ બુીંદ કરવા તા. 27-12-2025 ના સાંજે 4-45 વાગ્યે રાષ્ટ્રીયશાળાના મધ્યસ્થ ખંડમાં મહાસંમેલન યોજાયું છે જેમાં કોઈ પણ નાગરિક આ કારસા અંગે પ્રશ્નો પુછીને ઉત્તર મેળવી શકશે.


