Get The App

BIG NEWS: અમરેલી એરપોર્ટ પર મીની પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી સરક્યું, મોટી દુર્ઘટના ટળી, વીડિયો વાયરલ

Updated: Sep 28th, 2025

GS TEAM

Google News
Google News
BIG NEWS: અમરેલી એરપોર્ટ પર મીની પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી સરક્યું, મોટી દુર્ઘટના ટળી, વીડિયો વાયરલ 1 - image

Amreli Airport: અમરેલી એરપોર્ટ પર આજે એક ગંભીર દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી, જ્યારે એક મીની એરક્રાફ્ટ લેન્ડિંગ દરમિયાન રનવેની સાઈડમાં સરકી ગયું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ચકચાર મચી ગઈ છે. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પ્લેનને સામાન્ય નુકસાન થયું હોવાની માહિતી મળી છે.

લેન્ડિંગ સમયે જીવ તાળવે ચોંટ્યો

પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના બપોરના સમયે બની હતી. પાયલોટ ટ્રેનિંગ સેન્ટરનું આ મીની પ્લેન રનવે પર લેન્ડિંગ કરી રહ્યું હતું. જોકે, લેન્ડિંગની પ્રક્રિયા દરમિયાન કોઈક કારણોસર એરક્રાફ્ટ રનવે પર સીધું રહેવાના બદલે તેની નીચેની સાઈડમાં ત્રાંસુ થઈને સરકી ગયું હતું.

BIG NEWS: અમરેલી એરપોર્ટ પર મીની પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી સરક્યું, મોટી દુર્ઘટના ટળી, વીડિયો વાયરલ 2 - image

એરક્રાફ્ટ નિયંત્રણ બહાર જઈને રનવેની નજીક જમીન પર સરકવા લાગતા ત્યાં હાજર લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ ઘટના કેટલી ગંભીર હતી અને મોટી દુર્ઘટના સર્જાતા માંડ બચી છે.

ઘટના છુપાવવાનો પ્રયાસ?

આ ઘટના બાદ પાયલોટ ટ્રેનિંગ સેન્ટર દ્વારા આ બાબતને છુપાવવાના પ્રયાસો થયા હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે, સોશિયલ મીડિયા પર ઘટનાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

આખરે, અમરેલીના કલેક્ટર વિકલ્પ ભારદ્વાજએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે, "એરક્રાફ્ટને નુકસાન થયું છે, પરંતુ સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. આ એક તાલીમી ફ્લાઇટ હતી."

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અમરેલીમાં એકવાર મીની પ્લેન ક્રેશ થવાની ઘટના ઘટી ચૂકી છે, જેના કારણે આ તાજી ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા પર ફરી સવાલો ઊભા કર્યા છે. કોઈ જાનહાનિ ન થતાં તંત્ર અને એરપોર્ટ સ્ટાફે હાશકારો અનુભવ્યો છે.