Get The App

અમરેલીમાં વિમાન દુર્ઘટના સહેજમાં ટળી : રન-વે પરથી ટ્રેનિંગ પ્લેન નીચે ઉતરી ગયું

Updated: Dec 8th, 2025

GS TEAM

Google News
Google News
અમરેલીમાં વિમાન દુર્ઘટના સહેજમાં ટળી :  રન-વે પરથી ટ્રેનિંગ પ્લેન નીચે ઉતરી ગયું 1 - image

વારંવાર બનતી ઘટનાઓ, સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો એરપોર્ટ ઓથોરિટીએ બનાવ છૂપાવવા માટે પ્રયાસ કર્યો પરંતુ પ્રાંત અધિકારીએ ઘટનાની પુષ્ટિ આપી

 અમરેલી, : અમરેલી એરપોર્ટ પર ફરી એકવાર  વિમાની દુર્ઘટના સર્જાતા સહેજમાં રહી ગઈ છે. અહીં સવારે ટ્રેનિંગ સેન્ટરનું એક વિમાન અચાનક રન-વે પરથી નીચે ઉતરી ગયું હતું. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ વારંવાર બનતી આવી ઘટનાઓએ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે.

મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે અમરેલી એરપોર્ટ પર રાબેતા મુજબ ટ્રેનિંગ ચાલી રહી હતી ત્યારે એક ટ્રેનિંગ પ્લેન રન-વે પર આવતાં જ અચાનક સ્લીપ થઈ ગયું હતું અને રન-વે પરથી નીચે ઉતરી ગયું હતું. જોકે પાયલોટનો બચાવ થયો હતો.

આ ઘટના બાદ એરપોર્ટ ઓથોરિટીની કામગીરી શંકાના દાયરામાં આવી છે. ઘટના બન્યા બાદ તેને દબાવી દેવા માટે હવાતિયા મારવામાં આવ્યા હતા. એરપોર્ટ આથોરિટીએ આ અંગે મૌન સેવી લીધું હતું અને વાત છૂપાવી હતી. જોકે, બાદમાં અમરેલીના પ્રાંત અધિકારીએ આ ઘટના બની હોવાની સત્તાવાર પુષ્ટિ કરી હતી. એરપોર્ટ મેનેજરના જણાવ્યા અનુસાર, પ્લેન સ્લીપ થવાના કારણે આ ઘટના બની હતી. 

અમરેલી એરપોર્ટ પર રન-વે પરથી પ્લેન ઉતરી જવાની આ બીજી  ઘટના છે. અગાઉ પણ રન-વે પરથી પ્લેન ઉતરી જવાની  એક ઘટના બની ચૂકી છે.  ભૂતકાળમાં બનેલી આવી જ એક ગંભીર દુર્ઘટનામાં પ્લેન ક્રેશ થતાં એક પાયલોટનું મોત પણ થયું હતું. વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતાં ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.