Gujarat

પીપરલા પ્રા. શાળાના આચાર્યને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા

By GS TEAM
25 Jun 20252 mins read
પીપરલા પ્રા. શાળાના આચાર્યને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા

- લંગાળાના શિક્ષક પાસેથી લગ્નમાટે 5 લાખ લીધા હતા

- શિક્ષકે ઉમરાળા કોર્ટમાં આચાર્ય સામે ફરિયાદ નોંધાવતા સુનવણી બાદ સજા અને વળતર ચૂકવવા હુકમ

વલ્લભીપુર : સિહોર તાલુકાના પીપરલા ગામે આવેલી પ્રાથમિક શાળાના આચાર્યને પાંચ લાખ રૂપિયાના ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સજા અને પાંચ લાખનું વળતર ચૂકવવાનો ઉમરાળા કોર્ટે હુકમ કર્યો છે.

ઉમરાળાના લંગાળા ગામે રહેતા શિક્ષક ગલાભાઈ રામજીભાઈ ડાંગર પાસેથી પીપરલા પ્રાથમિક શાળાના આચાર્ય હીરાલાલ કુબેરભાલ અમીને પરીચય કેળવી તેના ઘરે લગ્ન પ્રસંગ હોય, પાંચ લાખ રૂપિયા હાથઉછીના લીધા હતા. જે રકમ લીધા અંગે સ્ટેમ્પ પેપર ઉપર લખાણ પણ કરી આપ્યું હતું.થોડા સમય બાદ ગલાભાઈને નાણાંની જરૂરિયાત ઉભી થતાં તેમણે આચાર્ય હીરાલાલ પાસેથી રૂપિયાની માંગણી કરતા પાંચ લાખની રકમનો ચેક લખી આપ્યો હતો. જે ચેક બાઉન્સ થતાં આ અંગે શિક્ષકે ઉમરાળાના પ્રિ.જ્યુડી.મેજિ.ની કોર્ટમાં ધી નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળ ફરિયાદ કરી હતી. જે અંગેની સુનવણી થતાં ફરિયાદીના વકીલની દલીલો, રજૂ થયેલા આધાર-પુરાવાઓને ધ્યાને રાખી ન્યાયમૂર્તિ વાય.કે. ખાંટે આરોપી આચાર્ય હીરાલાલ અમીનને ચેક બાઉન્સના કેસમાં તકસીરવાન ઠેરવી બે વર્ષ સાદી કેદની સજા અને પાંચ લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.

વધુમાં આરોપીએ હુકમ સામે અપીલ કોર્ટમાં અપીલ કરવી હોય, આ સંજોગોમાં તેની કેદની સજા મોકૂફ રાખવા અને જામીન ઉપર મુક્ત કરવાની અરજી કરતા ઉમરાળા કોર્ટે આરોપીની અરજી ગ્રાહ્ય રાખી રૂા.૨૫,૦૦૦ના જામીન અને જાતમુચકો કરી આપ્યેથી સજાના હુકમની અમલવારી ૩૦ દિવસ સુધી મોકૂફ રાખવા આદેશ આપ્યો હતો.